Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં 6 વર્ષ પછી 40.35 કરોડ ખાતાઃ મહિલાઓના ખાતા 55.2 ટકા જેટલાઃ યોજનાના પ્રથમ વર્ષમાં 17.90 કરોડ ખાતા હતા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જન-ધન યોજના (પીએમજેડીવાય) અને નાણાકીય સમાવેશિતા માટેના રાષ્ટ્રીય મિશને તેના સફળ અમલીકરણને છ વર્ષ પૂરા કર્યા છે. વડાપ્રધાને 15 ઓગસ્ટ 2014ના રોજ સ્વતંત્રતા દિવસે PMJDYની જાહેરાત કરી હતી. તેની પાછળનો હેતુ નાણાકીય સેવાઓ જેવી કે બેન્કિંગ, બચત કે ડિપોઝિટ એકાઉન્ટ્સ, રેમિટન્સસ, ક્રેડિટ, ઇન્સ્યોરન્સ અને પેન્શન પોષણક્ષમ ભાવે પૂરો પાડવાનો છે.

વડાપ્રધાને જનધન યોજનાના સફળ છ વર્ષને લઈને આનંદની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ યોજનાની સફળતા માટે અવિરત ધોરણે કામ કરનારાની પ્રશંસા કરી છે.નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે 19 ઓગસ્ટ 2020ના રોજ PMJDY હેઠળના કુલ ખાતા 40.35 કરોડ હતા. તેમા ગ્રામીણ PMJDY ખાતા 63.6 ટકા હતા, જ્યારે મહિલાઓના PMJDY ખાતા 55.2 ટકા હતા. આ સ્કીમના પ્રથમ વર્ષમાં 17.90 કરોડ PMJDY ખાતા ખૂલ્યા હતા.

સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે નાણા મંત્રાલય નાણાકીય સમાવેશિતા અને હાંસિયે ધકેલાઈ ગયેલા લોકો તથા સામાજિક રીતે આર્થિક રીતે અવગણાયેલા વર્ગો માટે પ્રતિબદ્દ છે. નાણાકીય સમાવેશિતા સરકારની રાષ્ટ્રીય અગ્રતા છે, તે સમાવિષ્ટ વૃદ્ધિનું પ્રતિબિંબ પાડે છે. આના લીધે ગરીબને તેની બચતને નાણાકીય સિસ્ટમમાં લાવવાનો વિકલ્પ મળે છે. આમ તે શાહુકારોની જાળમાં સપડાવવાના બદલે તેના નાણા સીધા તેના કુટુંબને સોંપી શકે છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) આ માટે શરૂ કરવામાં આવેલી ચાવીરૂપ પહેલા છે, જે સમગ્ર વિશ્વમાં શરૂ થયેલી નાણાકીય સમાવેશિતાની સૌથી મોટી પહેલ છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ યોજનાના છઠ્ઠા વર્ષે નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારામને આ સ્કીમના મહત્ત્વ પર ભાર મૂકતા તેને મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા જનલક્ષી આર્થિક પહેલનો પાયો ગણાવ્યો હતો. હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) હોય, કોવિડ-19 નાણાકીય સહાય હોય, પીએમ-કિસાન હોય, મનરેગા હેઠળ વેતન વધારો હોય, જીવન અને આરોગ્ય વીમાકવચ હોય તો પ્રથમ પગલું દરેક પુખ્ત લોકોને બેન્ક ખાતુ પૂરુ પાડવાનું છે, જે ધ્યેયમાં આ યોજના ઉત્તીર્ણ થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.

(5:34 pm IST)