Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કેન્‍દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સુશાંતના પિતા કે.કે. સિંહ સાથે કરી મુલાકાતઃ તેઓએ કહ્યું સુશાંતનું મોત એ આત્‍મહત્‍યા નહીં પરંતુ હત્‍યા છે

નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં તપાસ એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે રાજકીય નિવેદનો પણ અપાઈ રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આજે હરિયાણાના ફરિદાબાદમાં સુશાંતના પિતા કે કે સિંહ સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ રામદાસ આઠવલેએ કહ્યું કે સુશાંતનું મોત એ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે.

હરિયાણાના ફરિદાબાદમાં આજે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સુશાંતના પિતા કે કે સિંહ અને બહેન રાની સિંહ સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે મને લાગે છે કે સુશાંતનું મોત આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. સુશાંતના પરિવારે ન્યાયની માગણી કરી છે. સીબીઆઈ જે તપાસ કરી રહી છે તેનાથી હાલ સુશાંતનો પરિવાર સંતુષ્ટ છે.

અત્રે જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અગાઉ ભાજપ, જેડીયુ અને બિહારના અન્ય નેતાઓ પણ આ કેસમાં નિવેદન આપી ચૂક્યા છે. રામદાસ આઠવલે અગાઉ સુશાંતના પિતાએ પણ હત્યાનો શક વ્યક્ત કર્યો હતો. તેમણે રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે રિયાએ ઝેર આપીને તેમના પુત્રની હત્યા કરી છે. આ ઉપરાંત સુશાંતની બહેનો દ્વારા પણ સતત રિયા અને તેના પરિવાર પર ષડયંત્રનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ બાજુ રિયા ચક્રવર્તીને આજે સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવી છે. તેની પૂછપરછ ચાલુ છે. મુંબઈના DRDO ગેસ્ટ હાઉસ પર રિયાની પૂછપરછ સીબીઆઈના દિગ્ગજ ઓફિસર નૂપુર પ્રસાદ કરી રહ્યાં છે. તેમની સાથે સીબીઆઈના ઓફિસર અનિલ યાદવ પણ છે. નૂપુર એટલા તેજ ઓફિસર છે કે તેમની સામે રિયા કશું છૂપાવી શકશે નહીં. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

(5:51 pm IST)