Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં ભારતની પાસે વેક્સિન હશે

બર્નસ્ટીન રિસર્ચના અહેવાલમાં માહિતી મળી : પુણે સ્થિત સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની પ્રથમ રસી પહોંચાડવાની સ્થિતિમાં હશે

ન્યૂયોર્ક, તા.૨૮ : કોરોના મહામારીનો સામનો કરી રહેલા ભારત પાસે ૨૦૨૧ના પહેલા ક્વાર્ટરમાં ચોક્કસપણે અપ્રુવડ વેક્સીન હશે. આ ઉપરાંત પુણે સ્થિત સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કોરોનાની પ્રથમ રસી પહોંચાડવાની સ્થિતિમાં હશે. બર્નસ્ટીન રિસર્ચ (વોલ સ્ટ્રીટ રિસર્ચ અને બ્રોકરેજ ફર્મ)ના ગુરુવારના અહેવાલમાં આ માહિતી મળી છે. બર્નસ્ટીનના અહેવાલમાં જણાવાયું છે કે વૈશ્વિક સ્તરે ચાર ઉમેદવારો છે જે વર્તમાન વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં અથવા ૨૦૨૧ની શરૂઆતમાં વેક્સીનના અપ્રુવલની નજીક છે. ભાગીદારીના હિસાબે ભારત પાસે બે છે, જેમાં પ્રથમ એઝેડ/ઓક્સફર્ડની વાયરલ વેક્ટર રસી અને બીજી નોવાવૈક્સની પ્રોટીન સબ-યુનિટ રસી સાથે એઝેડ/ઓક્સફર્ડ રસી છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, એસઆઈઆઈ તેની હાલની ક્ષમતા અને લાયકાતના આધારે અપ્રુવલ સમયે ક્ષમતા અને મૂલ્ય અથવા બંને પાર્ટનરશીપવાળા વેક્સીન કેન્ડિડેટ્સના વ્યાપારીકરણ કરવાની શ્રેષ્ઠ સ્થિતિમાં છે.

               ઉપરોક્ત બંને કેન્ડિડેટ્સના પ્રથમ તબક્કા અને બાકીના તબક્કાના ટ્રાયલ્સના ડેટા સલામતી અને રસીની રોગપ્રતિકારક ક્ષમતાની દ્રષ્ટિએ આશાસ્પદ દેખાય છે. અહેવાલમાં ભારતની વૈશ્વિક ક્ષમતાના સમીકરણને લઈને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. આ સાથે જ ઉત્પાદનના ધોરણોને પડકારોનો સામનો કરવો નહીં પડે તેવી પણ અપેક્ષા કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ૨૦૨૧માં ૬૦ કરોડ ડોઝ અને ૨૦૨૨માં ૧૦૦ કરોડ ડોઝ સપ્લાય કરી શકે છે, જ્યારે ગાવી ધી વેકસીન એલાયન્સ અને લો અને મધ્યમ આવક બજારો માટેની કંપનીની કટિબદ્ધતા દરમિયાન ભારતમાં વર્ષ ૨૦૨૧માં આ ડોઝમાં ૪૦થી ૫૦૦ મિલિયન ડોઝ ઉપલબ્ધ હોવા જોઈએ. રિપોર્ટનો અંદાજ છે કે સરકાર અને ખાનગી બજાર વચ્ચે રસીનું પ્રમાણ ૫૫/૪૫ રહેશે.

             રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારું માનવું છે કે સરકારી ચેનલ્સ ત્યાં પહેલા પ્રવેશ કરશે, પરંતુ અમે એમ પણ માનીએ છીએ કે આ માટે મોટા ખાનગી બજાર આવશે. ફન્ડિંગ, મેનપાવર અને ડિલિવરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં સરકાર પોતાના પર ભાર સહન કરવા માટે સંઘર્ષ કરશે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે, ખાનગી બજારો પણ આમાં આગળ આવશે. એસઆઈઆઈએ જાહેરાત કરી છે કે ગાવી દરેક ડોઝ માટે ત્રણ ડોલર ચૂકવશે. બર્નસ્ટીન અહેવાલમાં જણાવાયું છે કે સરકાર દ્વારા ડોઝ દીઠ ત્રણ ડોલર (૨૨૦ રુપિયા) અને ગ્રાહકો માટે ડોઝ દીઠ છ ડોલર (૪૪૦ રૂપિયા)નો ભાવની સંભાવનાનું અનુમાન કરવામાં આવે છે. રિપોર્ટમાં એસઆઈઆઈ સિવાય અન્ય ત્રણ ભારતીય ફાર્મા કંપનીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જેઓ તેમના પોતાના રસીના ઉમેદવારો પર કામ કરી રહી છે અને હાલમાં તે પહેલા અને બીજા ફેઝમાં છે. આ કંપનીઓમાં ઝાયડસ, ભારત બાયોટેક અને બાયોલોજિકલ ઇનો સમાવેશ થાય છે.

(7:09 pm IST)