Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કવાડ બેઠક બાદ ચીન રઘવાયું:આઠ સ્થળોએ તંબુ તાણ્યા :બંકરો બનાવવાનું પણ કર્યું ચાલુ

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ સૈનિકો માટે કારાકોરમ પાસ નજીક વહાબ, જીલગા, પિયુ, હોટ સ્પ્રિંગ્સ, ચાંગ લા, તાશીગંગ, માંઝા અને ચુરુપ સુધી તંબુ ગોઠવ્યા

 નવી દિલ્હી : ચીનની ચાલબાજીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. તેમણે ફરી એકવાર પૂર્વી લદ્દાખ સરહદ પર નવા તંબુ ઉભા કરવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ચીને આઠ સ્થળોએ તંબુ લગાવી દીધા છે અને બંકરો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. લદ્દાખમાં છેલ્લા દોઢ વર્ષથી મડાગાંઠ ચાલી રહી છે.

ગુપ્ત માહિતીના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ સૈનિકો માટે કારાકોરમ પાસ નજીક વહાબ, જીલગા, પિયુ, હોટ સ્પ્રિંગ્સ, ચાંગ લા, તાશીગંગ, માંઝા અને ચુરુપ સુધી તંબુ ગોઠવ્યા છે. હાલની છાવણીઓ ઉપરાંત ચીની સેના માટે નવા કેમ્પ બનાવવામાં આવ્યા છે. આ પરથી તેનો ઈરાદો સમજી શકાય છે કે તે આ વિસ્તાર છોડવા માંગતો નથી. જોકે, લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાના અનેક રાઉન્ડ થયા છે. આને કારણે, બંને દેશોએ ઘણા સ્થળોએથી તેમના દળોને પાછા ખેંચી લીધા છે, પરંતુ વર્તમાન મુકાબલા પહેલાની સ્થિતિ હજુ પણ પુન: સ્થાપિત થઈ નથી.

તમને જણાવી દઈએ કે, પૂર્વ લદ્દાખમાં સરહદી વિવાદને લઈને તણાવ સર્જાયા બાદ બંને દેશોએ 50-50 હજાર સૈનિકો તૈનાત કર્યા હતા. તેમની પાસે અત્યાધુનિક હથિયારો અને મિસાઇલો પણ છે. ભારત પણ સંપૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. ચીને નવી એરસ્ટ્રીપ્સ અને હેલિપેડ બનાવ્યા છે. ચીને હોતન, કાશગર, ગાર્ગુંસા, લ્હાસા-ગોંગગર અને શિગાત્સે એરબેઝને આધુનિક સંસાધનોથી સજ્જ કર્યા છે.

(10:51 pm IST)