Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નાણાકીય સહાય મેળવવી બંધારણીય અધિકાર નથી

શૈક્ષણિક સંસ્‍થાઓ પોતાની શરતો પર ગ્રાન્‍ટ ન મેળવી શકે : શૈક્ષણિક સંસ્‍થા ગ્રાન્‍ટ મેળવવા માટેની શરતો અને નિયમોનું પાલન કરવા ન માંગતી હોય તો ગ્રાન્‍ટ લેવાનો ઇન્‍કાર કરવો જોઈએ

નવી દિલ્‍હી,તા.૨૮: સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે સહાય મેળવવી તે કંઈ બંધારણીય અધિકાર નથી. સરકાર  શિક્ષણ સંસ્‍થાઓને સહાય આપતી વખતે નાણાકીય મર્યાદા અને  ખામીઓ સહિતના વિવિધ પરિબળો પર વિચાર કરી શકે છે.
હવે જયારે સંસ્‍થાઓને સહાય આપવાની વાત આવે છે ત્‍યારે તેમા લદ્યુમતી અને લદ્યુમતી ન હોય તેવી સંસ્‍થાઓ જેવો ભેદભાવ રાખી ન શકાય, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું. ન્‍યાયાધીશ એસ કે. કૌલ અને એમએમ સુંદરેશની બેન્‍ચે જણાવ્‍યું હતું કે સહાય મેળવવી તે બંધારણીય અધિકાર નથી.તેથી આ નિર્ણયના અમલીકરણને પડકારવાની સંભાવના અહીં ઘણી મર્યાદિત ઔરહે છે.
બેન્‍ચે જણાવ્‍યું હતું કે હવે જયારે કોઈ સહાય પડતો મૂકવાનો નિર્ણય લેવાયો હોય તો પછી તે સંસ્‍થા અધિકારને આગળ ધરીને તેના માટે સવાલ ન ઉઠાવી શકે. કોઈપણ સંસ્‍થા માટે આ પ્રકારના પડકાર હોય જ છે. એક સંસ્‍થા માટે ગ્રાન્‍ટ ઉપલબ્‍ધ હોય છે તો તેના જેવી જ બીજી સંસ્‍થા માટે ગ્રાન્‍ટ ઉપલબ્‍ધ હોતી નથી.
હવે જો ગ્રાન્‍ટ મેળવવા માટે શૈક્ષણિક સંસ્‍થા તેના માટેની શરતો અને નિયમોનું પાલન કરવા માંગતી ન હોય તો તેણે ગ્રાન્‍ટ લેવાનો ઇન્‍કાર કરી દેવો જોઈએ અને પોતાની રીતે સંસ્‍થા ચલાવવી જોઈએ. આ સિવાય કોઈપણ સંસ્‍થા એમ ન કહી શકે કે મારી આ શરતોના આધારે મને ગ્રાન્‍ટ મળવી જોઈએ.
અલ્‍હાબાદ હાઇકોર્ટે ધ ઇન્‍ટરમીડિયેટ એજયુકેશન એક્‍ટ ૧૯૨૧ હેઠળ રચાયેલા નિયમ ૧૦૧ના આદેશને ઉત્તરપ્રદેશ સરકારે ગેરબંધારણીય ગણાવીને પડકાર્યો તેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ નિરીક્ષણ કર્યુ હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે હવે સહાય મેળવવી તે બંધારણીય અધિકાર નથી ત્‍યારે આ નિર્ણયના અમલીકરણને પડકારવાની ક્ષમતા મર્યાદિત બની જાય છે.
બેન્‍ચે જણાવ્‍યું હતું કે નીતિગત નિર્ણય જાહેર હિતમાં લેવાય છે. આ પ્રકારના નિર્ણયને પડકારી શકાતા નથી સિવાય કે તેમા આત્‍યંતિક હદ સુધીનું વિવેકમુનસફીપણું હોય. બેન્‍ચે જણાવ્‍યું હતું કે વહીવટી સત્તા વૈધાનિક સત્તાનો અવશેષ છે, આથી સત્તાના કથિત અમલીકરણની વાત આવે ત્‍યારે અસ્‍પષ્ટ કાયદામાં સુધારાને ફક્‍ત અંદાજ કે અટકળના આધારે પડકારી ન શકાય.

 

(10:17 am IST)