Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ફ્રાંસના પ્રેસિડેન્‍ટને માર્યું ‘ઇંડુ': અગાઉ એક વ્‍યક્‍તિએ માર્યો હતો લાફો

ફ્રાંસના પ્રેસિડેન્‍ટ ઈમેન્‍યુઅલ મેક્રોન પર વધુ એક વાર હુમલો કરવામાં આવ્‍યો

પેરિસ,તા. ૨૮: ફ્રાંસના પ્રેસિડેન્‍ટ ઈમેન્‍યુઅલ મેક્રો પર એક શખ્‍સે ઈંડુ મારતાં ભારે ખળભળાટ મચી જવા પામ્‍યો છે. જાહેર જનતાને મળતાં સમયે ભીડમાં સામેલ એક વ્‍યક્‍તિએ તેમને છુટ્ટુ ઈંડુ માર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂન મહિનામાં પણ જનતાને મળતાં સમયે ભીડમાં સામેલ એક શખ્‍સે ફ્રાંસના પ્રેસિડેન્‍ટન લાફો માર્યો હતો. મેક્રોની સુરક્ષામાં સામેલ જવાનોએ ઈંડુ ફેંકનાર આરોપીને ઝડપી લીધો હતો.
ફ્રેન્‍ચ પ્રેસિડેન્‍ટ ઈમેન્‍યુઅલ ગ્રેસ્‍ટ્રોનોમીને પ્રોત્‍સાહન આપવા માટે ફ્રાન્‍સના લિયોન શહેર પહોંચ્‍યા હતા. આ સમયે તેઓ ભીડ વચ્‍ચેથી પસાર થઈ રહ્યા હતા. અને તેમની આજુબાજ સુરક્ષા જવાનએ પહેરો બનાવી રાખ્‍યો હતો. પણ આ જ સમયે અચાનક એક ઈંડુ સીધા તેમના ખભા પર વાગ્‍યું હતું. જે બાદ મેક્રો ચકિત રહી ગયા હતા તો સુરક્ષા જવાનો પણ એલર્ટ થઈ ગયા હતા.
એકાએક થયેલાં આ હુમલાથી ત્‍યાં ઉપસ્‍થિત સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા. સુરક્ષા જવાનોએ તાબડતોડ ઈંડુ ફેંકનાર આરોપીને ઝડપી પાડ્‍યો હતો. પણ ઈંડુ મારવા પાછળનો ઉદ્દેશ્‍ય શું હતો તે અંગે હજુ સુધી કોઈ સ્‍પષ્ટ કારણ જાણવા મળ્‍યું નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૦૧૭માં પણ મેક્રો ઉપર ઈંડુ ફેંકવામાં આવ્‍યું હતું. આ સમયે તેઓ પ્રેસિડેન્‍ટ ચૂંટણીના ઉમેદવાર હતા. અને આ ઘટનામાં ઈંડુ સીધું તેમના માથા પર વાગ્‍યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં પણ જાહેર જનતા સાથે હાથ મિલાવતાં સમયે એક વ્‍યક્‍તિએ તેમનો હાથ ખેંચીને મોઢા પર એક લાફો મારી દીધો હતો. જે બાદ તાત્‍કાલિક સુરક્ષા જવાનો ધસી આવ્‍યા હતા અને લાફો મારનાર શખ્‍સને ઝડપી પાડ્‍યો હતો. ફ્રાંસમાં એક વર્ષથી ઓછા સમયમાં પ્રેસિડેન્‍ટની ચૂંટણી થવાની છે. અને આ સમયે મેક્રોને લોકોનો ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અને જૂનમાં યોજાયેલ સ્‍થાનિક ચૂંટણીઓમાં પણ મેક્રોની પાર્ટીને નબળો જનપ્રતિસાદ મળ્‍યો હતો.

 

(10:24 am IST)