Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

૧૦૦ ચીની સૈનિક ઉત્તરાખંડમાં ઘુસ્‍યા : કાંકરીચાળો કરી પરત ફર્યા

ઉત્તરાખંડના ચમોલી સાથેની ચીની સરહદે ‘બાડાહોતી'માં લગભગ ૧૦૦ ચીની સૈનિકો જોવા મળ્‍યા : પૂલ સહિત કેટલીક માળખાકીય સુવિધાઓને ક્ષતિ પહોંચાડી ચાલ્‍યા ગયા : ચીનની હરકત ધ્‍યાને આવતા જ અધિકારીઓ ચોંક્‍યા : ગુપ્‍તચર તંત્ર પણ સક્રિય બન્‍યું : ચીને ભારતમાં ૩ કલાક સુધી તોડફોડ કર્યાનો ખુલાસો

નવી દિલ્‍હી તા. ૨૮ : ઉત્તરાખંડના ચમોલીને અડીને આવેલા ચીની સરહદી વિસ્‍તાર બાડાહોતીમાં લગભગ ૧૦૦ સૈનિકો જોવા મળ્‍યા હતા. અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઇમ્‍સમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, પીએલએના સૈનિકો ભારતીય સરહદમાં પ્રવેશ્‍યા અને કેટલાક માળખાકીય સુવિધાને નુકસાન પહોંચાડ્‍યા બાદ તેમના વિસ્‍તારોમાં પરત ફર્યા. તેમાં એક પુલ પણ સામેલ હતો જે ચીની સૈનિકોના નિશાના હેઠળ આવ્‍યો હતો. ચીની સૈનિકોની ગતિવિધિઓ વિશે જાણ થતાં જ અધિકારીઓ એક્‍શનમાં આવ્‍યા. સરહદી વિસ્‍તારમાં પડોશી દેશની ગતિવિધિઓને જોતા ગુપ્તચર તંત્ર પણ સક્રિય બન્‍યું છે.
તાજેતરના વર્ષોમાં,ᅠ બાડાહોતીᅠ વિસ્‍તાર મુખ્‍ય ફલેશપોઇન્‍ટ્‍સમાંનો એક રહ્યો નથી, જોકે અહીં નાની ઘટનાઓ નોંધાઈ છે. ૧૯૬૨ના યુદ્ધ પહેલા ચીને આ વિસ્‍તારમાં ઘૂસણખોરી કરી હતી. ૧૯૫૪ માં પ્રથમ વખત ચીની સૈનિકોને આ વિસ્‍તારમાં સાધનો સાથે જોવામાં આવ્‍યા હતા, જે પાછળથી વધ્‍યા હતા. ૩૦ ઓગસ્‍ટે પણ લગભગ ૧૦૦ સૈનિકો સરહદની અંદર દેખાયા હતા, પરંતુ જયારે ભારતીય સેનાના જવાનો પહોંચ્‍યા ત્‍યારે ચીની સૈનિકો સરહદ પાર કરીને તેમના વિસ્‍તારોમાં ગયા.
ઉત્તરાખંડનાᅠ બાડાહોતીમાં વાસ્‍તવિક નિયંત્રણ રેખા પર ચીની પીપલ્‍સ લિબરેશન આર્મીના સૈનિકોની ઘૂસણખોરીના અહેવાલો આવ્‍યા છે. વર્ષ ૨૦૧૮ માં આવા અહેવાલો આવ્‍યા હતા, ઓગસ્‍ટ મહિનામાં ત્રણ વખત આઈટીબીપી ચોકી પાસે ચીની સૈનિકો જોવા મળ્‍યા હતા. ભારતીય સરહદમાં ઘૂસેલા ચીની સૈનિકોને સૈનિકોના સખત વિરોધને કારણે પાછા હટવું પડ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચીની સૈનિકો ભારતીય સરહદમાં લગભગ ૩ કલાક રોકાયા અને તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. અહીં સ્‍થાનિક લોકો દ્વારા ITBP ના કર્મચારીઓને માહિતી આપવામાં આવી હતી. આ માહિતી સેના સુધી પહોંચ્‍યા બાદ જયારે સેનાની ટુકડી ત્‍યાં પહોંચી ત્‍યારે ચીની સૈનિકો ત્‍યાંથી રવાના થઈ ગયા હતા. આ ઘટના બાદ પેટ્રોલિંગ ટીમ સતત આ વિસ્‍તારમાં તપાસ કરી રહી છે.

 

(11:14 am IST)