Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો, કોંગી ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા

કોરોના મુદે સરકારની નબળી કામગીરીને લઇ પ્રશ્નો પુછાતા હોબાળો, ધારાસભ્યોએ પોસ્ટરો બતાવી વિરોધ કર્યોઃ ૧૦ ધારાસભ્યો સસ્પેન્ડ : ગૃહની કામગીરી સ્થગીત કરી દેવાઇ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે છેલ્લા દિવસે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને હોબાળો મચાવતા અધ્યક્ષે ૧૦ ધારાસભ્યોને આજના દિવસ પૂરતા સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ આ ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરી દેવામાં આવ્યુ હતુ.

 કોરોના મુદ્દે સરકારની નબળી કામગીને લઈ પ્રશ્નો પૂછાતા હોબાળો થયો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પોસ્ટર્સ બતાવી વિરોધ કરી કેટલાક ધારાસભ્યો વેલામાં ઘૂસી અને વેલમાં બેસી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત, લલિત વસોયા, નૌશાદ સોલંકી, અમરીશ ડેર વેલમાં ઘૂસી આવતા વિધાનસભા અધ્યક્ષે ૧૦ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. તો  કોંગ્રેસના હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી તેમજ પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થાય ત્યા સુધી ગૃહ કામગીરી સ્થગિત કરાઈ હતી.

 કોરોના વેકિસનેશન અંગે ગૃહમાં વિપક્ષએ આરોપ કર્યો કે બનાસકાંઠામાં ૪૫ વર્ષથી વધુને ૧૦૦ ટકા વેકિસનનો દાવો કરાયો પરતું આ દાવાને લઇ ગેનીબેન ઠાકોરે કહ્યું કે હકીકતમાં બનાસકાંઠામાં લોકોને વેકિસન નથી મળી રહીં. માત્ર આધારકાર્ડ લઇ વેકિસન અપાયાના દાવા થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં હજૂ પણ વેકિસન નથી મળી રહીં.

ગેનીબેનના પ્રશ્ન પર મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપતા કહ્યું કે સરકાર વેકિસન અંગે કટિબદ્ધ છે. દરિયા, રણ, બસ સ્ટેશનમાં પણ વેકિસન અપાઇ રહીં છે.

તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં ૪.૧૫ કરોડને પ્રથમ ડોઝ અપાયો છે  અને ૧.૮૪ કરોડ લોકોને બંન્ને ડોઝ અપાઇ ચુક્યા છે જ્યારે ૮૪ ટકાને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે તો ગુજરાતમાં કુલ ૬.૫૭ કરોડ ડોઝ અપાયાનું જણાવેલ.

(3:27 pm IST)