Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

બીજી લહેરમાં લોકો લૂંટાયા : માનવતા નેવે મૂકાઇ

કોવિડ-૧૯ની બીજી લહેરમાં દવા દુકાનદારોથી લઇને એમ્બ્યુલન્સ સંચાલકો અને પ્રાઇવેટ લેબવાળાથી લઇને મેડિકલ ઉપકરણ વેચનારાઓએ બેફામ ભાવ લીધા : બેફામ નફાખોરી : લાચાર દર્દીઓ - સગા - સંબંધીઓ પાસેથી તગડા ભાવ વસુલ્યા : વસુલાત પણ જેવી તેવી નહિ ૫૦૦ ગણા ભાવ પડાવાયાઃ રેમડેસીવીર - ફેબીફલુ - ઓકસીજનના બાટલા - ઓકસીમીટર માટે ૩૦૦થી ૪૦૦ ગણા ઉંચા ભાવ પડાવાયા : સર્વે

નવી દિલ્હી તા. ૨૮ : કોરોનાની બીજી લહેરમાં દવા દુકાનદારોથી માંડીને એમ્બ્યુલન્સ સંચાલકો અને પ્રાઇવેટ લેબવાળાથી માંડીને મેડિકલ ઉપકરણ વેચતા સુધીના લોકોએ જબરદસ્ત રીતે શર્મસાર કર્યા છે. જ્યારે લોકો તેમનો જીવ બચાવવાની ગુહાર લગાવી રહ્યા હતા તો તમામ જવાબદારી નીભાવતા લોકોએ લાચાર દર્દીઓ અને વીઝીટ લેતા લોકો પાસેથી વસૂલી કરી છે. વસૂલી પણ એવી - તેવી નહિ પરંતુ નક્કી કરેલી કિંમતથી ૫૦૦ ગણી વધુ સુધી વસૂલી કરીને દર્દીઓ અને વીઝીટ લેતા લોકોને અધમૂવા કરી દિધા. કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કિલે દેશના ૩૮૯ જિલ્લામાં સર્વે કરીને એક એવો રીપોર્ટ તૈયાર કર્યો છે જેને વાંચીને દેશના લોકોનું માથું શરમથી નીચે ઝુકી ગયું છે.

લોકલ સર્કિલની રિસર્ચ એન્ડ એનાલિસિસ ટીમે દેશનો એક મોટો સર્વે કર્યો. આ સર્વેમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઉપયોગ કરવામાં આવેલી દર્દીઓની દવાઓ, એમ્બ્યુલન્સ, મેડિકલ ઉપકરણ અને કોરોના રીપોર્ટ તૈયાર કરતી લેબમાં વસુલ કરવામાં આવેલા ચાર્જ અંગે દેશના હજાર લોકો સાથે વાત કરીને તેમનો અનુભવ જાણવામાં આવ્યો છે. લોકલ સર્કિલ રિસર્ચ ટીમના સભ્યોનું કહેવું છે કે લોકો સાથે વાતચીતના આધાર પર જે પરિણામો નીકળ્યા તે ચોંકાવનારા છે. કારણ કે જે જેવો અને જેટલા પ્રમાણમાં મોકો મળ્યો, તેટલો લોકોને અત્યંત ક્રુરતાથી લૂંટવામાં આવ્યા. અનેક મહીના સુધી થયેલા સર્વે દરમિયાન લોકોના દર્દ તેની આંખોમાંથી વહેતા આંસૂના માધ્યમથી બહાર આવ્યા. કારણ કે કોરોનાની બીજી લહેર દરમિયાન માનવતા તો શર્મસાર થઇ હતી. સાથે જ લોકોના જીવ પણ બચ્યા નહિ.

લોકલ સર્કિલના સર્વેના જણાવ્યા મુજબ કોરોના પીડિત પરિવારના દર ત્રીજા માણસ પાસેથી ઓકસીમીટર, ઓકસીજન અને ઓકસીજન કન્સન્ટ્રેટરના દુકાનદારો અને જવાબદારીઓને નક્કી કરેલી કિંમતથી ૩૦૦ થી ૪૦૦ ગણી વસ્તુ સુધીની કિંમત વસૂલી સર્વેના રીપોર્ટ મુજબ ૧૮ ટકા લોકો એવા હતા જેને ઓકસીજન સિલિન્ડર અને ઓકસીન કન્સન્ટ્રેટરની કિંમત ત્રણસોથી ચારસો સુધી વસૂલવામાં આવી. આ સર્વે દરમિયાન લોકોએ જણાવ્યું કે, જે ચાઇનીઝ કન્સન્ટ્રેટર ૩૦ થી ૩૫ હજારના હતા તેના માટે જરૂરીયાતમંદોએ એક લાખ રૂપિયા સુધી ખર્ચ કર્યા. જ્યારે ૨૦૦થી ૩૦૦ રૂપિયાવાળા ઓકસીમીટર માટે દુકાનદારોએ દર્દી અને વીઝીટર પાસેથી ૧૫૦૦થી ૩ હજાર રૂપિયા વસૂલ્યા. જો કે આ દરમિયાન ૧૪ ટકા લોકોએ તે વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, આ દરેક ઉપકરણ એમઆરપીથી ડિસ્કાઉન્ટ પર પણ દુકાનદારોએ લોકોને આપ્યા.

લોકલ સર્કિલનો રિપોર્ટ જણાવે છે કે, દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સૌથી વધુ એમ્બ્યુલન્સના નામ પર વસૂલી કરવામાં આવી. રીપોર્ટના જણાવ્યા મુજબ ૭૦ ટકા લોકોએ જણાવ્યું કે, એમ્બ્યુલન્સ માટે પણ ઓવરચાર્જ વસૂલવામાં આવ્યો. એમ્બ્યુલન્સ માટે સર્વે કરતી ટીમના આંકડા મુજબ ૫૦ ટકા લોકોને એમ્બ્યુલન્સ માટે નક્કી કરવામાં આવેલા ભાડાથી ૫૦૦થી વધુ ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

રીપોર્ટ જણાવે છે કે, દેશભરમાં દવાઓ માટે લૂંટ થઇ હતી. તેમાંથી અનેક એવી દવાઓ હતી જેને બાદમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ અને કોરોનાની મોનિટરીંગ માટે નિર્માણ કરવામાં આવેલી ટાસ્ક ફોર્સની ટીમને કોરોનામાં કારગર તો માન્યા પરંતુ ડોકટરોની ચીઠ્ઠી પર લખેલી દવાઓ માટે દર્દીઓને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. રીપોર્ટ જણાવે છે કે, રેમેડેસીવીર અને ફેબીફલૂ જેવી દવાઓ માટે દર્દીઓને ૧૦ ગણાથી વધુ સુધીની કિંમત ચુકવવી પડી. બજારમાં જો દવા હજાર રૂપિયામાં ઉપલબ્ધ હતી તેને ૧૦ હજાર રૂપિયાથી પણ વધુની કિંમત પર વેચવામાં આવી. ૫૦ ટકાથી વધુ લોકોને દવાઓ માટે દવા દુકાનદારોએ મનમાની કરી વધુ રકમની વસૂલી કરી.

ફકત દવાઓમાં જ નહી પરંતુ દર્દીઓની કોરોના માટે થનાર આરટીપીસીઆર તપાસ ટેસ્ટમાં પણ જબરદસ્ત વસૂલી કરવામાં આવી. જો કે ૯ ટકા લોકો આ વાત માટે રાહતનો શ્વાસ લીધો છે કે સરકારી હોસ્પિટલોમાં કોઇ પણ પ્રકારનો ચાર્જ વસૂલાયો નથી. જ્યારે ૩૬ ટકા લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં નક્કી કરેલી કિંમત પર થતા તપાસ રીપોર્ટની વાત કહે છે. ૧૩ ટકા લોકોએ જણાવ્યું કે, તેમની પાસેથી તપાસના નામ પર જબરદસ્ત પૈસા વસૂલવામાં આવ્યા.

(3:28 pm IST)