Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ડીઝલ પણ મોંઘુ થયુ

રર દિવસ બાદ આજે પેટ્રોલની કિંમતમાં વધારો

દિલ્હીમાં પેટ્રોલ ૧૦૧.૩૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.પ૭ રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઇ રહ્યું છે

નવી દિલ્હી,તા.૨૮: આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ લગભગ ૨૨ દિવસ બાદ આજે પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે. બીજી તરફ, ચાર દિવસમાં ત્રીજી વાર ડીઝલની કિંમતમાં પણ વધારો ઝીંકાયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૨૦ પૈસા વધી ગઈ છે. ડીઝલ આજે ૨૫ પૈસા મોંઘું થયું છે.

મુંબઈમાં પેટ્રોલ ૨૧ પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન મુજબ, આ વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલ ૧૦૧.૩૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૫૭ રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઇ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૭.૪૭ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. દેશભરમાં ગત ૪ દિવસમાં ડીઝલના ભાવમાં ૩ વાર વધારો કરવામાં આવ્યો છે.

ભારતીય ઓઇલ કંપનીઓએ હાલમાં ૨૪ સપ્ટેમ્બરે ૨૦ પૈસા જ્યારે ૨૬ સપ્ટેમ્બરે ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. બીજી તરફ આજે એટલે કે ૨૮ સપ્ટેમ્કરે ભાવમાં ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તહેવારોની સીઝનમાં સામાન્ય જનતા પર મોંઘવારીનું ભારણ વધતું જઈ રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ૨૫ રૂપિયા વધી ચૂક્યા છે. બીજી તરફ ગત મહિને પીએનજી અને સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. હવે આવતા મહિને ગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે તો તહેવારોના રંગ ફીકા પડી જશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

(3:32 pm IST)