Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

તાલિબાનો સોંપાયેલાં કામ કરે, સેલ્ફી લેવાનું બંધ કરે

મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબનો આદેશ : કાબુલ પર કબ્જા પછી પણ તાલિબાનો મસ્તી કરતા નજરે પડ્યા હતા અને તેમના વિડિયો પણ વાયરલ થયા હતા

કાબુલ, તા.૨૮ : અફઘાનિસ્તાન પર કબ્જો કરતી વખતે તાલિબાનીઓ દ્વારા હિંચકા ખાતા અને બાળકોના થીમ પાર્કમાં સેલ્ફીઓ લેવામાં આવી હતી અને તેના વિડિયો પણ વાયરલ થયા હતા. જોકે તેને લઈને તાલિબાનના ટોચના નેતાઓ ભડકી ઉઠયા છે. તાલિબાને પોતાના સભ્યોને આદેશ આપ્યો છે કે, કાબુલમાં સેલ્ફી લેવાનુ બંધ કરે અને જાણે ફરવા નિકળ્યા હોય તેવો વ્યવહાર ના કરે.

તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબે આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, કાબુલ પર કબ્જા પછી પણ તાલિબાનો મસ્તી કરતા નજરે પડ્યા હતા અને તેમના વિડિયો પણ વાયરલ થયા હતા. દેશના બીજા હિસ્સામાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કાબુલના ઝૂમાં તો તાલિબાની આતંકીઓ તળાવના કિનારે આરામ ફરમાવતા અને બોટિંગ કરતા હોય તેવા વિડિયો વાયરલ થયા હતા.

પછી હવે તાલિબાનના રક્ષા મંત્રી મુલ્લા યાકુબે આદેશ આપ્યો છે કે, જે કામ સોંપવામાં આવ્યુ છે તે કરો અને સેલ્ફીઓ લઈને તાલિબાનની પ્રતિષ્ઠાને ઠેસ ના પહોંચાડો. વગર કોઈ ઉદ્દેશે સરકારી ઈમારતો અને બજાર કે કાબુલ એરપોર્ટની યાત્રા પણ ના કરો. મુલ્લા યાકુબે કહ્યુ હતુ કે, તાલિબાનના ટોચના નેતાઓ જ્યાં ઉભા હોય છે ત્યાંની પણ સેલ્ફીઓ સોશિયલ મીડિયા પર મુકવામાં આવી રહી છે. જેનાથી સુરક્ષાને ખતરો ઉભો થઈ શકે છે. સાથે સાથે તાલિબાનોએ પોતાનો વ્યવહાર સુધારવો પડશે અને ઈસ્લામિક નિયમો પ્રમાણે પોતાનો દેખાવ રાખવો પડશે.

(7:17 pm IST)