Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

૧લીથી રેલવે નુર - ભાડા વધશે : લાગશે ૧૫% સરચાર્જ

ભારતીય રેલવે ૩ વર્ષના ગાળા બાદ વ્‍યસ્‍ત સિઝન સરચાર્જ શરૂ કરી રહી છે : કોલસો અને કોક સિવાય બધી કોમોડિટી ઉપર લાગુ પડશે સરચાર્જ : ખાતર - સિમેન્‍ટ - અનાજનું રેલવે ટ્રાન્‍સપોર્ટેશન મોંઘુ થશે

નવી દિલ્‍હી તા. ૨૮ : ભારતીય રેલવે ત્રણ વર્ષના વિરામ બાદ વ્‍યસ્‍ત સિઝન સરચાર્જ ફરી શરૂ કરી રહી છે. ૧ ઓક્‍ટોબરથી તમામ માલસામાનના ટ્રાફિક પર ૧૫%નો વ્‍યસ્‍ત સિઝન સરચાર્જ લાગુ થશે, એમ રેલવે બોર્ડના આદેશમાં જણાવાયું છે.

સરચાર્જ કોલસો અને કોક, કન્‍ટેનર અને ચોક્કસ વેગનમાં ખસેડવામાં આવતી ઓટોમોબાઈલ સિવાયની તમામ ચીજવસ્‍તુઓના પરિવહન પર વસૂલવામાં આવશે.

૧ ઓક્‍ટોબરથી ભારતીય રેલ્‍વે નેટવર્ક પર ખાતર, સિમેન્‍ટ અને ખાદ્યાન્ન ટ્રાન્‍સપોર્ટ કરવાની કોસ્‍ટ સીધી રીતે વધારી શકે છે.

આયર્ન ઓર અને પેટ્રોલિયમ, તેલ અને લુબ્રિકન્‍ટ્‍સ સિવાયના તમામ માલસામાન માટે કેટલાક અપવાદો સાથે ૧ ઓક્‍ટોબરથી ૩૦ જૂન સુધી લાગુ પડતો ચાર્જ ૧ ઓક્‍ટોબર, ૨૦૧૯થી પાછો ખેંચી લેવામાં આવ્‍યો હતો.

ત્‍યારે અધિકારીઓએ જણાવ્‍યું હતું કે પ્રારંભિક માફી ૨૦૧૯માં આર્થિક ગતિવિધિઓ ધીમી પડવાને કારણે હતી. માર્ચ ૨૦૧૮માં નૂર દરો પર વ્‍યસ્‍ત સિઝન સરચાર્જ ૧૨%થી વધારીને ૧૫% કરવામાં આવ્‍યો હતો. સરચાર્જની માફીના પરિણામે ભારતીય રેલ્‍વેના નૂર લોડિંગમાં વધારો થયો.

આ મહિનાની શરૂઆતમાં, રેલવેએ ઓગસ્‍ટ સુધી સતત બે વર્ષનો રેકોર્ડ માસિક લોડિંગનો અહેવાલ આપ્‍યો હતો. ભારતીય રેલ્‍વેની કુલ નૂર આવક ઓગસ્‍ટમાં રૂ. ૧૨,૯૨૭ કરોડ હતી, જે એક વર્ષ અગાઉ રૂ. ૧૦,૮૬૭ કરોડ હતી, એમ અધિકારીઓએ જણાવ્‍યું હતું.

‘રેલવે મુસાફરોની ટિકિટમાં ભારે નુકસાન સહન કરે છે. તહેવારોની સિઝનમાં પેસેન્‍જર ટિકિટોની ભારે માંગ ભારતીય રેલ્‍વેના નાણાં પર દબાણ લાવે છે. હવે અછતને પહોંચી વળવા માટે આવક વધારવાની જરૂર છે,' તેમ ભૂતપૂર્વ રેલવે બોર્ડ સભ્‍ય વી એન માથુરે જણાવ્‍યું હતું.

(10:41 am IST)