Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મજૂરી કરતા કુલદીપ કુમારની યુપીની રણજી ટીમમાં પસંદગી

ઉત્તર પ્રદેશના યુવાનની સંઘર્ષ કથા : ૧૮ વર્ષની વયે ક્રિકેટ રમવાનું શરૃ કરનારા કુલદીપ કુમારે૨૨મા વર્ષે રાજ્યની ટીમમાં પ્રવેશ મેળવ્યો

લખનૌ, તા.૨૮ : ૨૨ વર્ષનો યુવક કુલદીપ કુમાર કે જે ઉત્તરપ્રદેશના શામલી જિલ્લામાં ઈંટો ઉપાડવાનું મજૂરી કામ કરતો હતો તેની મહેનત રંગ લાવી છે. આ યુવક ભલે ઈંટો ઉપાડવાનું કામ કરતો હતો પરંતુ તેનું સપનું હતું કે તે ક્રિકેટની દુનિયામાં એન્ટ્રી કરશે, અને તેનું સપનું પૂરું થયું છે. શામલીના સિલાવરનો કુલદીપ રાઈટ-આર્મ મીડિયમ પેસર છે. કુલદીપ ૧૮ વર્ષનો હતો ત્યારે તેણે પ્રેક્ટિસ કરવાનું શરુ કર્યું હતું અને પોતાના પરિવારમાં વિકટ પરિસ્થિતિઓ સર્જાઈ હતી. ૨૦૨૦માં કુલદીપે પોતાના પિતાને ગુમાવ્યા પછી ૨૫૦ રૃપિયા પ્રતિ દિવસ મળતા મજૂરી કામમાં જોતરાઈ જવાનો વારો આવ્યો હતો. જોકે, આ યુવાનની ધગશે તેને સફળ બનાવ્યો છે તેનું ઉત્તરપ્રદેશ રણજી ટ્રોફીમાં સિલેકેશન થઈ ગયું છે.

કુલદીપ કુમાર જણાવે છે કે, હું ઈંટો પકવવાનું અને તેને લારીમાં ગોઠવીને એક સ્થળેથી બીજે લઈ જવાનું કામ કરતો હતો. હું બાળપણથી મજૂરી કામ કરું છું. પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવી જરુરી છે. આ માટે મેં ક્રિકેટર બનવાનું સપનું પણ છોડી દીધું હતું, આર્થિક સ્થિતિ નબળી હોવાથી હું મારા પિતાને બચાવી શક્યો નહોતો. તેઓ કેન્સરના દર્દી હતા અને ઉપરથી તેમને પહેલી લહેર દરમિયાન કોરોનાનો ચેપ લાગતા તેમનું જીવ ગયો હતો.

પોતાનું સપનું સાકાર થતું જોઈ રહેલો કુલદીપ આગળ કહે છે કે, મારા મોટાભાઈ પણ મજૂરી કામ કરે છે અને મારો નાનો ભાઈ સ્કૂલમાં ભણે છે. મને ક્રિકેટમાં ઘણો રસ છે પણ સમજાતું નહોતું કે કઈ રીતે શરુઆત કરું. હું સવારે ઈંટો ઉપાડવાનું કામ કરતો હતો અને રાત્રે મારા ગામ પાસે આવેલી મેપલ્સ એકેડમીના ટ્રેનિંગ સેન્ટરમાં પ્રેક્ટિસ કરતો હતો. મેં ક્રિકેટ પાછળ જે મહેનત કરી તેનું મને પરિણામ મળ્યું છે. થોડા દિવસો પહેલા મારું રણજી ટ્રોફી માટે સિલેક્શન થયું છે. હું ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (યુપીસીએ)નો આભાર માનું છું. તે કહે છે કે, મેં સાંભળ્યું હતું કે અહીં માત્ર રૃપિયાવાળા અને સાધનસંપન્ન લોકોની જ પસંદગી થાય છે, પરંતુ ત્રીજા પ્રયત્નમાં મને સફળતા મળી છે. હાલ કુલદીપ ૧૩૦-૧૩૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બોલિંગ કરી શકે છે અને તેણે પોતાની ગતિને વધારીને ૧૫૦કિમી/કલાકના સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. કુલદીપ કહે છે કે, મેં વર્ષ ૨૦૧૮માં મારા ગામ પાસે આવેલી મેપલ્સ એકેડમીમાં ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. મારી ટ્રેનિંગ ફ્રી હતી અને તમામ ખર્ચ મારા કોચ સન્ની સિંઘ ઉપાડતા હતા. જ્યારે રણજી માટે મારું સિલેક્શન થયું, તો મારી પાસે શામલીથી કાનપુર જવા માટે પણ રૃપિયા નહોતા. ફરી એકવાર મારા કોચે મને મદદ કરી. શામલી ક્રિકેટ એસોસિએશનના કોર્ડિનેટર વિકાસ કુમારે પણ મારી ઘણી મદદ કરી છે. તેમણે મને સમજાવ્યું હતું કે રણજી ટ્રોફીમાં કઈ રીતે રમવું કે જેથી કરીને સિલેક્શન થાય. કુલદીપ જસપ્રીત બુમરાહને પોતાના આદર્શ માને છે. મારો ક્રિકેટ રમવાનો ઉત્સાહ તેમને રમતા જોઈને વધ્યો છે. તેઓ મારા સૌથી વધુ ગમતા ખેલાડી છે. યુપુસીએના મીડિયા મેનેજર અહેમદ અલી ખાન ઉર્ફે તાલિબ જણાવે છે કે, મને આ સિલેક્શન પર ગર્વ થઈ રહ્યો છે. આ પારદર્શી સિલેક્શનનું એક મોટું ઉદાહરણ છે. યુપીસીએ હંમેશા ટેલેન્ટેડ યુવાનોને આગળ કરવાનું કામ કરે છે.

 

 

 

 

 

 

 

(7:34 pm IST)