Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

હવે પીએફઆઇ પર ડિજિટલ સ્ટ્રાઈક :વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ જશે

પીએફઆઇની સત્તાવાર વેબસાઇટ, તેના ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, યુટ્યુબ ચેનલ અને અન્ય તમામ ઓનલાઈન હાજરીને પણ સરકારી આદેશ હેઠળ બ્લોક કરાઈ રહ્યા છે

નવી દિલ્હી : પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ) અને અન્ય કેટલાક સંલગ્ન સંગઠનો પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કડક પ્રતિબંધ બાદ સરકાર હવે પીએફઆઇ અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ પર ડિજિટલ સ્ટ્રાઈક કરી રહી છે. આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે કેન્દ્રએ આ સંગઠનોની વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવા માટે “ટેકડાઉન” આદેશ જારી કર્યો છે

  . પીએફઆઇ જેવી સંસ્થાઓ તેમની પ્રવૃત્તિઓનો પ્રચાર ન કરી શકે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. પીએફઆઇની સત્તાવાર વેબસાઇટ, તેના ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, યુટ્યુબ ચેનલ અને અન્ય તમામ ઓનલાઈન હાજરીને પણ સરકારી આદેશ હેઠળ બ્લોક કરવામાં આવી રહી છે.

પીએફઆઈ ઉપરાંત રીહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (આરઆઈએફ), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (સીએફઆઈ), અખિલ ભારતીય ઈમામ પરિષદ (એઆઈઆઈસી), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (એનસીએચઆરઓ), નેશનલ વુમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રીહેબ ફાઉન્ડેશન (કેરળ)ને પણ કાયમી ધોરણે બ્લોક કરવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીને દૂર કરવામાં આવી રહી છે.

આ સમાચાર લખાય છે ત્યાં સુધી, પીએફઆઇ , આરઆઇએફ, એઆઇઆઇસી, વેબસાઇટ્સ પહેલાથી જ બ્લોક કરી દેવામાં આવી છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અન્ય કેન્દ્રીય એજન્સીઓના આદેશોને અનુસરીને, ટેલિકોમ્યુનિકેશન વિભાગ આ મામલે ઝડપી કાર્યવાહી કરી રહ્યું છે.

(8:46 pm IST)