Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

જાન્યુઆરીથી શરૂ કરાશે અમલ

રેસ્ટોરન્ટના મેનુમાં વાનગીની સાથે તેની કેલેરીની માહિતી ફરજીયાત બનશે

'સહી ભોજન બહેતર જીવન' અભિયાન હેઠળ મહત્વનો ફેરફાર

નવી દિલ્હી તા. ૨૮ : 'સહી ભોજન બહેતર જીવન' (ઇટ રાઇટ ઇન્ડિયા) અભિયાન હેઠળ એક મહત્વનો ફેરફાર થવા જઇ રહ્યો છે. આગામી જાન્યુઆરીથી રેસ્ટોરન્ટમાં જમવા માટે અપાતા મેનુ કાર્ડમાં ફકત વાનગીઓની જ માહિતી નહી હોય પણ તેની સાથે એ પણ લખ્યું હશે કે કઇ વાનગીમાં કેટલી કેલરી હશે. જેથી ગ્રાહક સંપૂર્ણપણે તે વાનગીમાંણી મળતી કેલરીથી વાકેફ રહે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) આની તૈયારી કરી રહ્યું છે. ટુંક સમયમાં શાકાહારી ઉત્પાદનો માટે વેગન લોગો (શુધ્ધ શાકાહારી હોવાનો માર્કો) પણ બહાર પડાશે.

એફએસએસએઆઇના સીઇઓ અરૂણ સિંઘલે જણાવ્યું કે, ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન હેઠળ ગ્રાહકોને પૌષ્ટિક ભોજનની બધી માહિતીઓ આપવામાં આવશે. જાન્યુઆરીથી જ્યારે ગ્રાહક કોઇ રેસ્ટોરન્ટમાં જશે તો તેમને અપાનાર ભોજનની માત્રા સાથે એ માહિતી પણ અપાશે કે કયાં ખોરાકમાં કેટલી કેલરી છે. રેસ્ટોરન્ટમાં અપાનાર મેનુમાં આ માહિતી ઉપલબ્ધ હશે. અત્યારે રેસ્ટોરન્ટમાં અપાતા મેનુમાં એ માહિતી પણ નથી હોતી કે એક પ્લેટ દાળમાં ૧૦૦ ગ્રામ દાળ છે કે ૧૫૦ ગ્રામ, ફકત કુલ અને હાફ પ્લેટ એવી જ માહિતી હોય છે.

ઔદ્યોગિક સંગઠન ફિક્કીના એક કાર્યક્રમમાં સિંઘલે જણાવ્યું કે, એફએસએસએઆઇ ટુંક સમયમાં વેગન લોગો બહાર પાડવા જઇ રહ્યું છે જે શાકાહારી ભોજનનું પ્રતિક હશે. તેમણે જણાવ્યું કે, શાકાહારી લોકોની સંખ્યા સતત વધી રહી છે અને શાકાહારી ભોજનના પ્રમાણ બાબતે કશું જ ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું કે, એફએસએસએઆઇ થોડા સમયમાં કાયમી લાયસન્સ લઇને આવશે જે અમલી બન્યા પછી લાઇસન્સને રીન્યુ નહીં કરાવવું પડે.

(10:16 am IST)