Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

હું પોતે દલિત છું, અમે બધા જ છીએ, મારા દાદા-પરદાદા હિન્દુ હતા તો પુત્ર મુસ્લિમ કેવી રીતે હોય શકે ? તેનું નામ 'દાઉદ' નથી

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોની અધિકારી સમીર વાનખેડેના ધર્મ અંગે ચાલતી ચર્ચાનો જવાબ આપતા જ્ઞાનદેવ વાનખેડે

મુંબઇ તા. ૨૮ : નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડેના ધર્મ અંગે ચાલી રહેલી ચર્ચાનો સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ  જવાબ આપ્યો છે. બુધવારે તેમણે કહ્યું કે, હું પોતે દલિત છુ. અમે બઘા જ છીએ, મારા દાદા-પરદાદા હિન્દુ હતા, તો પુત્ર મુસ્લિમ કેવી રીતે હોઈ શકે? તે તેમણે સમજવુ જોઈએ. તેમણે પોતાના નામની સ્પષ્ટતા કરતા કહ્યુ હતું કે, તેનું નામ 'દાઉદ' નથી. એનસીપી નેતા નવાબ મલિકે દાવો કર્યો હતો કે, એનસીબી અધિકારીનું સાચું નામ 'સમીર દાઉદ વાનખેડે' છે.

સમીર વાનખેડેના પિતાએ કહ્યું હતું કે 'હું પોતે દલિત છું... અમે બધા છીએ, મારા દાદા અને પરદાદા હિન્દુ હતા... મારો દીકરો મુસ્લિમ કેવી રીતે હોઈ શકે? તેમણે આ સમજવું જોઈએ.' એનસીપી નેતા મલિકે વાનખેડે પર સરકારી નોકરી મેળવવા માટે બનાવટી જન્મ પ્રમાણપત્રો બનાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં તેમણે દાવો કર્યો છે કે જો તેઓ ખોટા સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે.

એનસીબીના અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'હું જન્મથી હિન્દુ છું અને દલિત પરિવારમાંથી આવું છું. હું આજે પણ હિન્દુ છું. મેં કયારેય કોઈ પણ પ્રકારનું રૂપાંતર કર્યું નથી. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને મને તેના પર ગર્વ છે.'

તેમણે કહ્યું, 'મારા પિતા હિન્દુ છે અને મારી માતા મુસ્લિમ હતી. હું બંનેને પ્રેમ કરૃં છું. મારી માતા ઇચ્છતી હતી કે હું લગ્ન માટે મુસ્લિમ રિવાજોનું પાલન કરું. પરંતુ તે જ મહિને મારા લગ્ન વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ નોંધાયેલા હતા... કારણ કે જયારે બે અલગ અલગ ધર્મના લોકો લગ્ન કરે છે ત્યારે આ લગ્ન આ કાયદા હેઠળ નોંધાય છે.'

તેમણે ઉમેર્યું હતું કે, 'પાછળથી અમારા કાયદાકીય રીતે છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ મેં બીજો ધર્મ બદલ્યો હોય તો... નવાબ મલિકે પ્રમાણપત્ર બતાવવું જોઈએ. મારા પિતા સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ સર્ટિફિકેટ બતાવશે.'

બુધવારે મલિકે સમીર વાનખેડેનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે, 'સુંદર કપલ સમીર દાઉદ વાનખેડે અને ડો.શબાના કુરેશીનો ફોટો.' ત્યારબાદ તેણે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે 'સમીર દાઉદ વાનખેડે અને ડો.શબાના કુરેશીના આ પહેલા લગ્નનુ નિકાહનામુ છે.'

(10:50 am IST)