Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ભાજપ દાયકાઓ સુધી અડીખમ રહેશેઃ રાહુલને મોદીની તાકાતનો અંદાજ નથી

રાજકીય વ્‍યુહરચનાકાર પ્રશાંત કિશોરની સ્‍પષ્‍ટ વાતઃ એ જાળમાં કોઈ ન ફસાય કે લોકો મોદીથી નારાજ છે અને તેમને સત્તાથી બહાર કરી દેશે : જ્‍યાં સુધી તમે એ સમજી નહિ શકો કે એવી કઈ બાબત છે જે મોદીને લોકપ્રિય બનાવી રહી છે ત્‍યાં સુધી તમે તેમનો સામનો કરી નહિ શકોઃ કોંગ્રેસ ખોટા સત્તાના સપના જુએ છેઃ કોંગ્રેસના પતનનું કારણ મતોની વહેંચણી

નવી દિલ્‍હી, તા. ૨૮ :. ભારતીય રાજનીતિમાં આવતા અનેક દાયકાઓ સુધી ભાજપનો દબદબો રહેવાનો છે અને મોદી યુગના અંતની રાહ જોવી એ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સૌથી મોટી ભૂલ છે આવુ કહેવુ છે કે ચૂંટણી વ્‍યુહરચનાકાર પ્રશાંત કિશોરનું. પ્રશાંત કિશોર હાલમાં જ ગોવાની મુલાકાતે હતા, જ્‍યાં તેમણે સ્‍પષ્‍ટ જણાવ્‍યુ હતુ કે આવતા અનેક દસકાઓ સુધી ભાજપ સામે લડવુ પડશે. અત્રે નોંધનીય છે કે તેઓ હાલ પ.બંગાળના સીએમ મમતા બેનર્જી માટે પડદાની પાછળ રહીને કામ કરી રહ્યા છે.
દાયકાઓ સુધી ભાજપના દબદબાની ભવિષ્‍યવાણી કરવાની સાથે પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્‍યુ છે અને કહ્યુ છે કે સંભવતઃ કોઈ વહેમમાં છે કે ભાજપ માત્ર મોદીની લહેર સુધી જ સત્તામાં રહેવાનુ છે. તેમણે ગોવાના એક મ્‍યુઝીયમમાં યોજાયેલા કાર્યક્રમમાં બોલતા કહ્યુ હતુ કે ભાજપ ભલે જીતે કે હારે પરંતુ તે ભારતીય રાજનીતિના કેન્‍દ્ર સ્‍થાનમાં રહેશે. એ જ રીતે કે જે રીતે કોંગ્રેસ ૪૦ વર્ષથી હતી. ભાજપ ક્‍યાંય નથી જવાનું. એક વખત તમે ભારતમાં ૩૦ ટકા મતો મેળવી લ્‍યો તો તમે એટલા વહેલા ક્‍યાંય નથી જવાના તેથી આ ચક્રવ્‍યુહમાં કદી ન ફસાતા કે લોકો ગુસ્‍સે થઈ રહ્યા છે અને તેઓ મોદીને ઉખાડીને ફેંકી દે. બની શકે કે લોકો મોદીને હટાવી દયે પરંતુ ભાજપ ક્‍યાંય નથી જવાનું. તમારે આવતા અનેક દાયકાઓ સુધી ભાજપનો સામનો કરવો પડશે.
પ્રશાંત કિશોર આટલેથી જ નથી અટકયા તેમણે આગળ કહ્યુ છે કે રાહુલ ગાંધીની સાથે આવી જ સમસ્‍યા છે. તેઓ વિચારે છે કે આ થોડા સમયની વાત છે. લોકો મોદીને સત્તાની ઉખાડીને દૂર કરી દે છે, પરંતુ આ કદી નથી થવાનું. તેમણે કહ્યુ હતુ કે જ્‍યાં સુધી તમે મોદીની તાકાત સમજી ન લ્‍યો અને તેમની મજબૂતીને માની ન લ્‍યો ત્‍યાં સુધી તમે તેમનો સામનો કરી નહિ શકો. મને જે સમસ્‍યા દેખાય છે તે એ છે કે લોકો મોદીની તાકાતને સમજવામાં વધુ સમય આપતા નથી. તેઓ એ નથી સમજી રહ્યા કે મોદી આટલા લોકપ્રિય કઈ રીતે બની રહ્યા. જો તમને એ ખબર પડી જાય તો જ તમે તેમનો સામનો કરી શકશો.
કોંગ્રેસ પક્ષ ભાજપ અને મોદીનું ભવિષ્‍ય કયા પ્રકારે જુએ છે ? તે બાબતે કિશોરે કહ્યુ હતુ કે તમે કોંગ્રેસના કોઈપણ નેતા પાસે ચાલ્‍યા જાવ તેઓ તમને કહેશે કે થોડા સમયની વાત છે, લોકો હેરાન થઈ રહ્યા છે, સત્તા વિરોધી લહેર આવશે અને લોકો મોદીને હટાવી દે છે. મને એ બાબત પર શંકા છે આવુ નથી થવાનું. પ્રશાંત કિશોરે એ ઉદાહરણ પણ આપ્‍યુ કે કેવી રીતે મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવોમા આટલો વધારો કર્યો અને તેની વિરૂદ્ધ લોકોનો આક્રોશ પણ નથી દેખાતો.
પ્રશાંત કિશોરે દેશમાં મતદારોમાં ફાટફુટ ઉપર પણ ધ્‍યાન આપ્‍યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે જો તમે મતદારોના સ્‍તર પર જુઓ તો એક તૃત્‍યાંશ અને બે તૃત્‍યાંશ વચ્‍ચેની લડાઈ છે. માત્ર એક તૃત્‍યાંશ લોકો જ ભાજપ માટે મત આપી રહ્યા છે કે ભાજપને ટેકો આપી રહ્યા છે. સમસ્‍યા એ છે કે બે તૃત્‍યાંશવાળો ભાગ ૧૦, ૧૨ કે ૧૫ રાજકીય પક્ષો વચ્‍ચે વહેંચાયેલો છે અને કોંગ્રેસના પતનનું આ જ કારણ છે. ૬૫ ટકા મતદારો વહેંચાઈ ગયા છે તેથી કોંગ્રેસ નીચે ચાલી જાય છે.
તેમણે કહ્યુ હતુ કે આવુ એટલા માટે છે કે કોંગ્રેસનું સમર્થન ઘટી ગયુ છે. ૬૫ ટકા જનાધાર વિખેરાઈ ગયો છે જેનાથી ઘણા નાના લોકો અને નાના નાના પક્ષો બની ગયા છે.

 

(2:21 pm IST)