Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

યુધ્ધના વાદળો મંડરાયા

ઇરાની 'પરમાણુ બોમ્બના જનક'ની ધોળાદિવસે હત્યા

આ હત્યા માટે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને જવાબદાર ગણવામાં આવ્યા છે

તહેરાન,તા.૨૮ : ઇરાનના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક કહેવાતા ટોચના વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહની શુક્રવારના રોજ દેશની રાજધાની તહેરાનમાં ધોળાદિવસે હત્યા કરી દેવાઇ. આ હત્યા માટે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને જવાબદાર ગણવામાં આવ્યા છે. હુમલાખોરોએ મોહસિનની કાર પર ગોળીઓ વરસાવતા તેમનું મોત થયું છે. ટોચના ઇરાની વૈજ્ઞાનિકની હત્યાથી પશ્ચિમ એશિયામાં યુદ્ઘના વાદળ મંડરાવા લાગ્યા છે.

 આ બધાની વચ્ચે ઇરાનના વિદેશ મંત્રીએ તેને આતંકી કાર્યવાહી ગણાવતા ઇઝરાયલ પર આકરા પ્રહારો કર્યા છે. ઇરાની વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફએ ટ્વિટર પર કહ્યું કે આતંકવાદીઓએ એક વિખ્યાત ઇરાની વૈજ્ઞાનિની આજે હત્યા કરી દીધી. આ કાયરતાભર્યું કૃત્ય ષડયંત્રકર્તાઓની હતાશાને દર્શાવે છે, જેમા ઇઝરાયલની ભૂમિકાના ગંભીર સંકેત છે. ઇરાની આરોપની વચ્ચે ઇઝરાયલે આ મામલા પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.

 ટોચના ઇરાની વૈજ્ઞાનિકની આ હત્યા એવા સમયે કરાઇ છે જયારે પાછલા દિવસોમાં સમાચાર આવ્યા હતા કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન જો બાઇડેનની સત્તા સંભાળતા પહેલાં ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. બાઇડેન પ્રશાસન ઇરાનની સાથે પરમાણુ કાર્યક્રમને લઇ એક બહુદેશીય કરારમાં ફરીથી સામેલ થવા માંગે છે. આ કરારથી ટ્રમ્પ ૨૦૧૮ની સાલમાં હટી ગયા હતા. આ હત્યાકાંડ એવા સમયે થયો છે જયારે થોડાંક દિવસ પહેલાં જ ઇઝરાયલના પીએમ, અમેરિકાના વિદેશ મંત્રી અને સાઉદી અરબના રાજકુમારે એક ગુપ્તચર બેઠક કરી હતી.

 મોહસિન ફખરીજાદેહ ૧૯૮૯થી જ અમેરિકા અને ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓના નિશાના પર રહ્યા છે. મોહિસનના પરમાણુ બોમ્બ કાર્યક્રમ 'અમાદ'ને ૨૦૦૩ની સાલમાં રોકી દેવાયો હતો. ત્યારબાદથી જ મોહસિન કેટલાંય અન્ય પરમાણુ કાર્યક્રમોને જોઇ રહ્યા હતા તેમનો ઉદ્દેશ સામાન્ય પ્રજા માટે ઉપયોગ કરવાનો છે. આ બધાની વચ્ચે ઇરાનના ટોચના નેતા અયાતુલ્લા અલી ખમનેઇના સૈન્ય સલાહકારે કહ્યું કે અમે આ હત્યાકાંડનો બદલો લઇશું. તેમણે કહ્યું કે ટ્રમ્પના છેલ્લાં દિવસોમાં ઇઝરાયલ ઇરાનની સાથે યુદ્ઘ ભડકાવામાં એકત્ર થયા છે.

 ન્યૂયોર્ક ટાઇમ્સે જણાવ્યું કે આ હત્યાકાંડને ઇઝરાયલની બદનામ ગુપ્તચર એજન્સી મોસાદ એ અંજામ આપ્યો છે. મોસાદ આની પહેલાં પણ ૨૦૧૦ અને ૨૦૧૨ની સાલમાં ચાર ઇરાન પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી ચૂકયું છે.

(9:39 am IST)