Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સોનામાં ત્રણ દિવસમાં રૂ.૩૦૦૦નો કડાકોઃ લગ્નસરાની સીઝન પણ આવી છતા ખરીદી નથી

કોરોનાનો ડર ઘટશે તો સોના બજારમાં ચોક્કસ ખરીદી જોવા મળશે

અમદાવાદ, તા.૨૮: કોરોના રસીને લઈ આવી રહેલા સતત સમાચારને પગલે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૮,૧૮૫ પર આવી ગયો છે. તો એક કિલો ચાંદીનો ભાવ ઘટીને ૬૦ હજાર રૂપિયા થઈ ગયો છે. વેપારીઓનું કહેવું છે કે, સોનાના ભાવ ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ હાઈ ભાવથી ખુબ નીચે આવી ગયા છે. ગુરુવારે, એમસીએકસ પર સોનું પ્રતિ દસ ગ્રામ ૪૮,૬૦૦ રૂપિયા પર આવ્યું હતું. ૭ ઓગસ્ટે સોનાનો ભાવ રૂ.૫૬,૨૦૦નો વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં સોનાના બજાર ભાવમાં રુ. ૩૦૦૦ જેટલો કડાકો બોલ્યો છે પરંતુ ખરીદી જોઈએ તેવી જોવા મળતી નથી. હા, હોલસેલ બજાર અને બુલિયન બજારમાં સોનામાં તેજી જોવા મળી રહી છે.

અમદાવાદ જવેલર્સ એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ કોરોનાની સ્થિતિમાં લોકોએ અનિવાર્ય સંજોગોમાં જ ખર્ચ કરવાનું શરું કર્યું છે. જેને પગલે સોનાની રિટેલ ખરીદી હજુ સુધી જામી નથી. કોરોનાનો ડર ઘટશે તો સોના બજારમાં ચોક્કસ ખરીદી જોવા મળશે. સામાન્ય રીતે સોનાનો ભાવ ઘટે ત્યારે ખરીદી વધી જતી હોય છે પરંતુ હાલના સંજોગો અલગ છે.

અમદાવાદ જવેલર્સ એસોસિએશનના જીગર સોની અને નિશાંત સોનીએ જણાવ્યું હતું કે નવેક મહિનાથી કોરોનાની સ્થિતિને કારણે લોકોના કામ ધંધા બંધ હતા. લોકો પાસે બચત મૂડી ઓછી થઈ ગઈ હતી. તેથી બજારમાં લાંબા સમય સુધી મંદી રહી હતી. જોકે દિવાળી સમયે બજાર સેટ થયા બાદ તેજી જોવા મળી હતી. લોકોએ કોરોનાનો ડર બાજૂ પર મૂકીને ધૂમ ખરીદી કરી હતી. જે બાદ દિવાળી પછી ફરી કોરોનાએ માથું ઊંચકયું છે. લાભ પાંચમ પછી બે દિવસ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો જેના પગલે લોકો ફરી અવઢવમાં આવી ગયા છે. આ સ્થિતિમાં હવે લોકો અનિશ્ચિત ભવિષ્યને ધ્યાને રાખીને ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જેથી હાલ બજાર ભાવ ઘટયો છતા ખરીદી જોવા નથી મળી રહી.

(3:22 pm IST)