Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ઠંડી વધતા ગરમ વસ્ત્રોના વેચાણમાં ઉછાળો આવ્યો

લુધિયાણામાં કારખાનાને ઉત્પાદન બમણું કરવાની સૂચના

નવી દિલ્હી તા. ૨૮ : હવામાન વિભાગે આ વર્ષે શિયાળો આકરો રહેવાની આગાહી કરી છે ત્યારે ગરમ વસ્ત્રોનું ઉત્પાદન કરતી કંપનીઓને આ સીઝન સારી જવાની આશા બંધાઇ છે. ઉત્તર ભારતમાં ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યો છે અને આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી છે ત્યારે લુધિયાણામાં કારખાના ધમધમી રહ્યા છે. બ્રાન્ડેડ વસ્ત્રોના ઉત્પાદકોએ પણ તેમના કોન્ટ્રાકટરોને ઉત્પાદન બમણું કરવાનું કહ્યું છે.

કોરોનાને કારણે તૈયાર વસ્ત્રોના ઉત્પાદકોના વેચાણને છેલ્લા થોડા મહિનાઓમાં જે નુકસાન સહન કરવું પડયું અને માલ ભરાવો થયો તેની ભરપાઇ આ શિયાળાની અને લગ્નસરાની સીઝનમાં થઇ જશે તેવી ઉદ્યોગને આશા છે. ફેશન અને એપેરલ રિટેલર્સમાં ઉત્સાહનો સંચાર થયો છે.

નેશનલ કેપિટલ રિજન (એનસીઆર)માં રવિવારે તાપમાન ૧૭ વર્ષમાં સૌથી નીચું ૬.૯ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તાપમાન તેથીએ નીચું ગયું હતું.

જેકેટ્સ, સ્વેટર, ઉનના વસ્ત્રો અને હૂડી સહિતના શિયાળામાં પહેરવાના વસ્ત્રોની માગ વધી છે. સ્વેટશર્ટની માગ ઓગસ્ટ મહિનાથી જ વધવી શરૂ થઇ હતી. દિવાળીમાં ધારણા કરતા સારૃં વેચાણ થયા પછી ઠંડીના વધતા પ્રમાણને કારણે અરવિંદ ફેશન્સ, લાઇફસ્ટાઇલ, બેનેટન જેવી બ્રાન્ડસના વસ્ત્રોનું વેચાણ વધ્યું છે. આ સીઝનમાં સપ્ટેમ્બર સુધીમાં વેચાણ ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં ૭૫ ટકા હતું, જે હવે વધીને ૮૫ ટકા થયું છે.

યુએસ પોલો, એરોપોસ્ટેલ અને ફલાયિંગ મશીન સહિતની બ્રાન્ડ્સનું વેચાણ કરતી અરવિંદ ફેશન્સના મેનેજીંગ ડિરેકટર જે. સુરેશે કહ્યું કે, સામાન્ય રીતે દિવાળી પછી વેચાણ ઘટતું હોય છે. આ વર્ષે પણ વેચાણ થોડું ઘટયું હતું પણ શિયાળાના વસ્ત્રો માટેની માગ વધતા વેચાણમાં સુધારો છે. 'વિન્ટર વેર'ની માંગને કારણે વેચાણ વધ્યું છે.

વી-માર્ટના સીઇઓ લલિત અગ્રવાલે કહ્યું કે, શિયાળાની વહેલી શરૂઆત ડૂબતાને તણખલું મળે તેવા આશિર્વાદ સમાન છે. વી-માર્ટના કુલ ૫૨૭૦ આઉટ્લેટસમાંથી ૨૦ દેશના ઉત્તરી ભાગમાં છે.

રિટેલર્સ આ વખતે શિયાળાની મોસમ સારી પસાર થવાની આશા રાખી રહ્યા છે. કેટલાક રિટેલર્સે તો માલ સંગ્રહ કરી રાખવાના હેતુથી હવામાન નિષ્ણાંતો સાથે ચર્ચા પણ કરી છે. ઉત્તર ભારતમાં છેલ્લા બે શિયાળા ડિસેમ્બરથી શરૂ થયા હતા.

લેવી સ્ટ્રોસના દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રીકાના મેનેજીંગ ડિરેકટર સંજીવ મોહંતીએ કહ્યું કે, આ વર્ષે કડાકાની ઠંડી પડી રહી હોવાથી શિયાળુ વસ્ત્રોની માગ ખૂબ વધી છે.

(11:37 am IST)