Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

દેશમાં બે પ્રકારના હિંદુ, એક મંદિરમાં પ્રવેશી શકે, બીજાને મંજૂરી નહીં

જયરામ રમેશના પુસ્તકના વિમોચન પ્રસંગે પૂર્વ સ્પિકરનું નિવેદન : અનેક લોકોએ જાતિય ભેદભાવના કારણે તેમના પિતા બાબૂ જગજીવન રામને હિંદુ ધર્મ છોડી દેવા માટે સલાહ આપી હતી

નવી દિલ્હી, તા.૨૭ : લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમારે ૨૧મી સદીમાં પ્રવર્તમાન જાતિય ભેદભાવ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશમાં ૨ પ્રકારના હિંદુ છે. એક જે મંદિરોમાં પ્રવેશ કરી શકે છે અને બીજા જેમને પ્રવેશની અનુમતિ નથી.

દલિત સમાજમાંથી આવતા પૂર્વ રાજદ્વારીએ જયરામ રમેશના પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું કે, અનેક લોકોએ જાતિય ભેદભાવના કારણે તેમના પિતા બાબૂ જગજીવન રામને હિંદુ ધર્મ છોડી દેવા માટે સલાહ આપી હતી. મીરા કુમારના પિતાએ કહ્યું હતું કે, તેઓ હિંદુ ધર્મ નહીં છોડે અને પોતાની સ્થિત પ્રમાણે આ વ્યવસ્થા સામે લડત આપશે.

આ સાથે જ મીરા કુમારના પિતા એવો સવાલ પણ કરતા હતા કે, શું ધર્મ બદલવાથી કોઈની જાતિ બદલાઈ જાય છે.

મીરા કુમારે દિલ્હીના રાજેન્દ્ર ભવન ખાતે કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશના પુસ્તક 'ધ લાઈટ ઓફ એશિયાઃ ધ પોએમ ધેટ ડિફાઈન્ડ બુદ્ધ'ના વિમોચન પ્રસંગે જાતિ અંગેના કાંટાળા સવાલ ઉઠાવ્યા હતા. રમેશે પુસ્તક લખવા પાછળનો પોતાનો ઉદ્દેશ્ય રજૂ કરતા કહ્યું કે, આખરે શા માટે બે ધર્મના અનુયાયીઓ અંદરોઅંદર ઉલઝે છે અને તેના પાછળનું સાચું કારણ શું છે. આના સંદર્ભમાં તેમણે અયોધ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(12:00 am IST)