Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

મોટો ખતરો ટળ્યો :' ઓમિક્રોન' વેરિયન્ટ કોઈ આપદા નથી અને વેક્સિન લેનારા લોકોએ ડરવાની જરૂર નથી

બ્રિટનના વૈજ્ઞાનિકોનો મોટો દાવો : નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈને દુનિયામાં હાહાકાર મચ્યો છે ત્યારે હવે બ્રિટનના વૈજ્ઞાનિકોના મોટા ખુલાસાથી રાહત

નવી દિલ્હી : સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈને દુનિયામાં હાહાકાર મચ્યો છે ત્યારે બ્રિટનના વૈજ્ઞાનિકોએ આ વેરિયન્ટ અંગે મોટો ખુલાસો કર્યો છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટ કોઈ આપદા નથી, વેક્સિન લેનાર લોકોએ જરા પણ ડરવાની જરુર નથી. બ્રિટનના વૈજ્ઞાનિકોની આ જાહેરાતથી સાબિત થયું છે કે ઓમિક્રોન વેરિયન્ટ પર વાતનું વતેસર કરવામાં આવી રહ્યું છે. લોકોને ખોટા ખોટા ડરાવવામાં આવી રહ્યાં છે

બ્રિટનના સરકારના સ્વાસ્થ્ય સંબંધી વૈજ્ઞાનિક સલાહકાર સમુહના જીવવિજ્ઞાનના પ્રોફેસર કૈલમ સેમ્પલે કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં અને દુનિયાભરમાં છવાયેલો કોરોનાના નવો ઓમીક્રોન કોઈ આપદા નથી. તેમણે કહ્યું કે આ કોઈ આપદા નથી અને મને લાગે છે કે આ મુદ્દે વાતનું વતેસર કરાઈ રહ્યું છે. 

પ્રોફેસર કૈલમ સેમ્પલે કહ્યું કે વેક્સિનેશનની મળનાર રોગ પ્રતિકાર શક્તિ તમને ગંભીર બીમારથી બચાવે છે. તમને સુંઘવાની કે માથાનો દુખાવાની તકલીફ થઈ શકે છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.

કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ વેરિએન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેરિયન્ટ ઝડપથી તેનું રુપ બદલી રહ્યો છે અને તે કોરોનાના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને બાકીના પ્રકારોથી જોખમી છે.  કોરોનાની બીજી લહેરમાંથી શીખીને ભારત સરકાર પણ સતર્ક બની ગઈ છે અને એક એડવાઈઝરી જારી કરી છે. 

(11:06 pm IST)