Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

કોંગ્રેસની સર્વપક્ષીય બેઠકમાં જોડાવાનો TMC નો ઈનકાર: ખડગેએ કહ્યું- સમજાવવા પ્રયાસ કરશું

અધીર રંજન ચૌધરીએ કહ્યું અમે વિપક્ષની દરેક પાર્ટીને આમંત્રણ આપ્યું છે તે ટીએમસી પર નિર્ભર છે કે તેણે મીટિંગમાં ભાગ લેવો કે નહીં

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ  29 નવેમ્બરે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસ તેમાં જોડાઈ રહી નથી.

તેના પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસે રવિવારે કહ્યું કે જો તે ટીએમસી પર નિર્ભર છે કે તેણે મીટિંગમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.

લોકસભા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, અમે વિપક્ષની દરેક પાર્ટીને આમંત્રણ આપ્યું હતું. જેથી સંસદના સત્રની શરૂઆત પહેલા વિચારોની આપ-લે થઈ શકે. પરંતુ તે તેમના (TMC) પર છે કે તેઓ બેઠકમાં ભાગ લે છે કે નહીં.

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા, કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. આ અંગે ખડગેએ રવિવારે કહ્યું કે, મને લાગે છે કે સંસદમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવા માટે તમામ વિપક્ષી દળોએ સોમવારે બેઠકમાં આવવું જોઈએ. બેઠકમાં પ્રાથમિકતાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ટીએમસીના એક નેતાએ કહ્યું કે, TMC આવતીકાલે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી નેતાઓની બેઠકમાં ભાગ લેશે નહીં, પરંતુ તે બંને બેઠકોમાં ચોક્કસપણે હાજરી આપશે જે વડાપ્રધાન અને રાજ્યસભાના સભાપતિની અધ્યક્ષતામાં થશે. પાર્ટીએ એમ પણ કહ્યું કે તે ગૃહમાં ઘણા મુદ્દા ઉઠાવશે. જ્યારે ટીએમસીની બેઠકમાં હાજરી ન આપવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે ખડગેએ કહ્યું, અમે દરેકને વિપક્ષની બેઠકમાં હાજરી આપવા માટે સમજાવવાનો પ્રયાસ કરીશું.

(9:02 pm IST)