Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

IIT, IIM અને ISB ગ્રેજયુએટ જ ભાડુઆત તરીકે જોઈએ

બેંગલુરૂમાં મકાન માલિકોની અનોખી શરત

નવી દિલ્‍હી તા. ૨૮ : ભાડા માટે ફલેટ શોધવો ખૂબ જ મુશ્‍કેલ કામ છે. ઘણીવાર લોકો ભાડા માટે મકાનો શોધતી વખતે દલાલો અને મકાનમાલિકોના પ્રશ્નોના જવાબો આપીને થાકી જાય છે. દરેકને તેમની જરૂરિયાત મુજબ ઘરની જરૂર હોય છે અને દલાલ લોકોને એક ફલેટમાંથી બીજા ફલેટ બતાવતા રહે છે. તમારા બધા કામ છોડીને તમે આ કામમાં વ્‍યસ્‍ત રહેશો અને હેરાન થાવ છો. એટલા માટે ભાડા પર ઘર શોધવું ખૂબ મુશ્‍કેલ કાર્ય છે. પરંતુ આ કાર્ય કેટલું મુશ્‍કેલ હોઈ શકે? આજકાલ આઈટી હબ સિટી બેંગલુરૂમાં ભાડા પર ઘર મેળવવું ખૂબ જ મુશ્‍કેલ બની ગયું છે. કારણ કે મકાન માલિકોએ ભાડૂતો માટે વિચિત્ર શરતો મૂકી છે.

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, એક રમુજી પોસ્‍ટમાં, પ્રિયાંશ જૈન નામના વ્‍યક્‍તિએ દાવો કર્યો હતો કે બેંગલુરૂમાં મકાનમાલિકો માત્ર IIT, IIM અને ઇન્‍ડિયન સ્‍કૂલ ઓફ બિઝનેસ જેવી પ્રતિષ્ઠિત સંસ્‍થાઓની ડિગ્રી ધરાવતા લોકોને જ ઘર આપવાનું પસંદ કરે છે. સોફટવેર એન્‍જિનિયરે તાજેતરમાં બ્રોકર સાથેની વાતચીતના સ્‍ક્રીનશોટ શેર કર્યા છે.

બ્રોકરે પ્રિયાંશને તેની પૃષ્ઠભૂમિની વિગતો પૂછી છે. પછી તેને જોઈને તેણે સ્‍પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે મકાનમાલિકો માત્ર અમુક ચોક્કસ પ્રકારના લોકોને ભાડુઆત તરીકે રાખવા માંગે છે. આ સ્‍ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ફેસબુક પર એક બ્રોકરે ફલેટ વિશે જૈનની પૂછપરછનો જવાબ આપ્‍યો. પછી તેની LinkedIn પ્રોફાઇલનું URL માંગ્‍યું. પછી તેની પૃષ્ઠભૂમિની માહિતી માંગી. જૈનની નોકરી અને શિક્ષણ વિશે પૂછતાં પહેલાં જ તેણે સ્‍પષ્ટ કર્યું હતું કે ફલેટ માલિક કોઈ વિશેષ પૃષ્ઠભૂમિ ધરાવતા વ્‍યક્‍તિને શોધી રહ્યો છે.

જૈને બ્રોકરને જવાબ આપતા કહ્યું કે તે શાકાહારી છે અને એટલાસિયન માટે કામ કરે છે. પછી તેને પૂછવામાં આવ્‍યું કે તે કઈ કોલેજમાં ભણે છે. તેમણે વેલ્લોર ટેકનોલોજી (VIT) નો ઉલ્લેખ કર્યો. જે બાદ બ્રોકરે જવાબ આપ્‍યો કે માફ કરશો, તમારી પ્રોફાઇલ ફિટ થતી નથી. જૈને પૂછ્‍યું કે માલિક શું શોધે છે. આના પર બ્રોકરે જવાબ આપ્‍યો કે તે માત્ર IIT, IIM, CA અને ISB ગ્રેજયુએટ જેવા લોકોને ભાડૂત તરીકે રાખવા માંગે છે.

જૈને ટ્‍વિટર પર એક પોસ્‍ટ લખી અને તેને કેપ્‍શન આપ્‍યું #બેંગ્‍લોરના ફલેટ માલિક, તમે આવું કેમ કરો છો? પછી તેને જયાં ફલેટ જોઈતો હતો તે સ્‍થાનની વિગતો શેર કરી અને લખ્‍યું કે બોનસ તરીકે હું હાઉસ-પાર્ટી-કેમ્‍પફાયર ગિટાર પણ શીખવી શકું છું.

(11:46 am IST)