Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પાણીમાં ડૂબાડીને કરી ઉંદરની હત્‍યાઃ નોંધાયો પોલીસ કેસ

નવી દિલ્‍હી, તા.૨૬: જો તમે કોઈ કોઇ જગ્‍યાએ જઇ રહ્યાં હોવ અને તમારી સામે કોઇનું મર્ડર કરવામાં આવે તો તમે ત્‍યાંથી ભાગી જશો. કારણ કે આપણા દેશની ‘ઓવરએક્‍ટિવ' પોલીસ સિસ્‍ટમ અને જ્‍યુડિશિયલ સિસ્‍ટમના ચક્રવ્‍યૂહમાં કોઈ ફસાઈ જવા માંગતું નથી. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ ખરેખર નાના જીવની પણ ચિંતા કરતા હોય છે. પછી ભલે તે કોઇ પશુ પક્ષી કે પ્રાણી હોય. લોકોના મનમાં ઉંદરને લઇને કેટલી ક્રુરતા ભરેલી છે, તે આ ઘટના પરથી તેનો અંદાજો લગાવી શકાય છે.

ઉત્તરપ્રદેશના બંદાયુમાં એક ઘટના સામે આવી છે જ્‍યાં એક વ્‍યક્‍તિ ઉંદરને નિર્દયતાથી મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ગટરમાં ઉંદરને ડુબાડીને તેને મારવાનો પ્રયત્‍ન કરતો હતો. ત્‍યારે આ ઘટના જોઇ રહેલા એક વ્‍યક્‍તિએ ગટરમાં કૂદીને તે ઉંદરને બચાવવાનો પ્રયત્‍ન કરે છે. ઉંદર બહાર તો આવી જાય છે પણ મળત હાલતમાં. ત્‍યારે તે વ્‍યક્‍તિ ઉંદરને ન્‍યાય અપાવવા માટે કાયદાનો સહારો લે છે. ઉંદર મારનાર વ્‍યક્‍તિ વિરુદ્ધ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવે છે, જ્‍યાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બંદાયૂમાં એક વ્‍યક્‍તિએ ખૂબ જ ક્રૂર રીતે ઉંદરનો જીવ લઈ લીધો. ઉંદરની પૂંછડી સાથે દોરડું બાંધીને તેને પથ્‍થરના ટુકડા સાથે બાંધીને તેને ગટરમાં ફેંકીને ડુબાડી રહ્યો હતો. જ્‍યારે ત્‍યાંથી પસાર થઈ રહેલા પ્રાણી પ્રેમી વિકેન્‍દ્રે આવું કરવાની ના પાડી અને તેને ઉંદરને ખોલવાનું કહ્યું તો તે વ્‍યક્‍તિએ ઉંદરને ગટરમાં ફેંકી દીધો. આ પછી વિકેન્‍દ્રએ ગટરમાં કૂદીને ઉંદરને બહાર કાઢયો. જોકે થોડા સમય પછી ઉંદર મરી ગયો. જ્‍યારે વિકેન્‍દ્રએ કોતવાલી ખાતે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ અરજી આપી ત્‍યારે આરોપીને પોલીસે કસ્‍ટડીમાં લીધો હતો. પૂછપરછ બાદ તેને છોડી મૂકવામાં આવ્‍યો હતો.

મળતી માહિતી પ્રમાણે ઉંદરને પોસ્‍ટમોર્ટમ માટે IVRI બરેલી મોકલવામાં આવ્‍યો છે. વિકેન્‍દ્ર શર્મા એનિમલ લવર તરીકે ઓળખાય છે. વિકેન્‍દ્ર પીપલ ફોર એનિમલ્‍સ (PFA)ના જિલ્લા પ્રમુખ પણ છે. વિકેન્‍દ્રએ જણાવ્‍યું કે, ઉંદરને મારનાર વ્‍યક્‍તિનું નામ મનોજ છે, અને તેણે મને કહ્યું કે, ‘હું આ રીતે રોજ ઉંદર મારતો હતો અને ભવિષ્‍યમાં પણ મારીશ, તારે જે કરવું હોય તે કરી લે'

(12:19 pm IST)