Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

૮૪ દેશના ૫૦૦ મિલિયન વોટ્સએપ યુઝર્સના ફોનનંબર લિક

વોટ્સએપના યુઝર્સ માટે ચેતવણી સમાન સમાચાર : ડેટા વેચનાર વ્યક્તિનો દાવો છે કે, સેટમાં એકલા યુએસના જ ૩૨ મિલિયન યુઝર્સની ખાનગી માહિતી સામેલ છે

નવી દિલ્હી, તા.૨૮ : જો તમે પણ સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ યુઝ કરો છો, તો આ સમાચાર તમને થોડા અસ્વસ્થ કરી શકે છે. લગભગ ૫૦૦ મિલિયન વોટ્સએપ યુઝર્સના ફોન નંબર લીક થયા છે અને તે ઓનલાઈન વેચાઈ રહ્યા છે. એક રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ અત્યાર સુધીના સૌથી મોટા ડેટા બ્રીચમાંથી એક છે.

ડેટાબેઝ, જે લોકપ્રિય હેકિંગ ફોરમ પર વેચાણ માટે છે, તેમાં ૮૪ દેશોના વોટ્સએપયુઝર્સોની વ્યક્તિગત માહિતી શામેલ છે. ડેટા વેચનાર વ્યક્તિનો દાવો છે કે, સેટમાં એકલા યુએસના જ ૩૨ મિલિયન યુઝર્સની ખાનગી માહિતી સામેલ છે. આ ઉપરાંત ઈજિપ્ત, ઈટાલી, ફ્રાન્સ, યુકે, રશિયા અને ભારતના લાખો યુઝર્સનો ડેટા પણ લીક થયો છે જેનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે.

યુએસ ડેટાસેટ ૭૦૦૦ ડોલરમાં ઉપલબ્ધ છે જ્યારે યુકેડેટાસેટની કિંમત ૨૫૦૦ ડોલર રાખવામાં આવી છે. જ્યારે ડેટા વેચનાર કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ પુરાવા તરીકે ૧૦૯૭ નંબર શેર કર્યા. નંબરો તપાસતા જાણવા મળ્યું કે, તે બધા વોટ્સએપ યુઝર્સના છે. જોકે, હેકરે સ્પષ્ટ કર્યું નથી કે, તેને ડેટા કેવી રીતે મળ્યો.

આવી માહિતીનો ઉપયોગ ઘણીવાર સાયબર ક્રાઇમ માટે થાય છે જેમ કે, સ્મિશિંગ અને વિશિંગ, જેમાં વપરાશકર્તાઓને ટેક્સ્ટ મેસેજ મોકલવા અને તેમને લિંક્સ પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ યુઝરને તેમનું ક્રેડિટ કાર્ડ અથવા અન્ય અંગત વિગતો આપવાનું પણ કહેવામાં આવે છે.

આ પહેલી ઘટના નથી કે, મેટા-માલિકીનું પ્લેટફોર્મ ડેટા બ્રીચથી પ્રભાવિત થયું હોય. ગયા વર્ષે પણ ભારતમાંથી ૬ મિલિયન રેકોર્ડ સહિત ૫૦૦ મિલિયનથી વધુ ફેસબુક યુઝર્સના વ્યક્તિગત ડેટા કથિત રીતે લીક થયો હતો. લીક થયેલા ડેટામાં ફોન નંબર અને અન્ય માહિતી સામેલ હતી.

(7:32 pm IST)