Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભારતીય શેરબજારમાં સતત તેજી, સુચકાંકો રેકોર્ડ ઊંચાઈ પર

સેન્સેક્સમાં ૨૧૧ અને નિફ્ટીમાં ૫૦ પોઈન્ટનો ઊછાળો : વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં ભારે ખરીદી કરી, નવેમ્બરમાં તેણે ૩૧૬૩૦ કરોડ રૃપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું

મુંબઈ, તા.૨૮ : વિદેશી ભંડોળના પ્રવાહ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ખરીદી વચ્ચે સોમવારે બેન્ચમાર્ક સૂચકાંકો નવા ઉચ્ચતમ સ્તરે બંધ થયા હતા. સળંગ પાંચમા દિવસે ૩૦ શેરો ધરાવતો બીએસઈ  સેન્સેક્સ ૨૧૧.૧૬ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા વધીને ૬૨,૫૦૪.૮૦ પર બંધ થયો હતો, જે તેની વિક્રમી ઊંચી સપાટી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં ભારે ખરીદી કરી છે. નવેમ્બરમાં તેણે ૩૧૬૩૦ કરોડ રૃપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આ જોતાં આર્થિક પ્રવાહોને લઈને સકારાત્મકતાની આશા છે.

દિવસ દરમિયાન એક તબક્કે સેન્સેક્સ ૪૦૭.૭૬ પોઈન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૬૨,૭૦૧.૪૦ની ટોચે પહોંચ્યો હતો. એનએસઈ  નિફ્ટી ૫૦ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકા વધીને ૧૮,૫૬૨.૭૫ પર બંધ થયો હતો, જે તેની રેકોર્ડ ઊંચાઈ હતી.

સેન્સેક્સ પેકમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૪૮ ટકા ઉછળીને ટોપ ગેનર હતી, ત્યારબાદ નેસ્લે, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, વિપ્રો, આઈસીઆસીઆઈ બેક્ન અને ઇન્ડસઇન્ડ બેક્નનો સમાવેશ થાય છે. ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, એચડીએફસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાછળ રહ્યા હતા. એશિયામાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગના બજારો નીચા સ્તરે બંધ થયા છે. યુરોપમાં ઇક્વિટી એક્સચેન્જો બપોરના વેપારમાં નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વોલ સ્ટ્રીટ શુક્રવારે નીચું સમાપ્ત થયું.

આંતરરાષ્ટ્રીય ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૩.૧૧ ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ ૮૧.૦૩ ડોલર પર ટ્રેડ કરી રહ્યું હતું. એક્સચેન્જ ડેટા અનુસાર શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ રૃ. ૩૬૯.૦૮ કરોડના શેર ખરીદ્યા હતા.

અમેરિકી ડોલર સામે રૃપિયો ૫ પૈસા વધીને ૮૧.૬૬ ના સ્તર પર બંધ થયો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા અને સ્થાનિક ઇક્વિટી બજારોમાં મજબૂત વલણને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત થતાં સોમવારે રૃપિયો યુએસ ડોલર સામે ૫ પૈસા સુધરીને ૮૧.૬૬ (કામચલાઉ) પર બંધ થયો હતો. નબળા યુએસ ચલણ અને વિદેશી ભંડોળના પ્રવાહે પણ સ્થાનિક એકમને ટેકો આપ્યો હતો.ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં રૃપિયો ૮૧.૮૧ પર ખૂલ્યો હતો અને ૮૧.૬૧ની ઇન્ટ્રા-ડે હાઇ પર ટ્રેડ થયો હતો અને ગ્રીનબેક સામે ૮૧.૮૩ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બાદમાં તે ૮૧.૬૬ પર બંધ રહ્યો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણોની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈને માપે છે, તે ૦.૩૫ ટકા ઘટીને ૧૦૫.૫૯ પર આવી ગયો હતો.

(7:33 pm IST)