Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

અંડર-19 ટી-20 વર્લ્ડ કપ જીતનારી ક્રિકેટ ટીમ ને મળશે પ કરોડઃ જય શાહની જાહેરાત

- અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ આવવા આમંત્રણઃ સન્‍માન કરાશે

નવી દિલ્‍હીઃ  ઈંગ્લેન્ડને હરાવીને અંડર-19 ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ટીમ માટે મોટા ઈનામની જાહેરાત કરાઈ છે.

ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને ટીમને અભિનંદન આપતાં તેમને માટે 5 કરોડના ઈનામની જાહેરાત કરી હતી.

જય શાહે ટીમની જીતની ઉજવણી કરવા માટે દેશ પરત ફરતાં સમગ્ર ટીમને અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ આમંત્રણ આપ્યું છે, જ્યાં ટીમનું સન્માન કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં મેન્સ ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને આખરી ટી-20 રમાવાની છે.

ભારતીય મહિલા ટીમે પ્રથમ વાર જીત્યો વર્લ્ડ કપ
ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. અગાઉ સિનિયર ટીમ કેટલાક પ્રસંગે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી પરંતુ ટાઇટલ જીતી શકી નહોતી. હવે ભારતની યુવા બ્રિગેડે આ સપનું સાકાર કર્યું છે.

ભારતીય અંડર-19 મહિલા ટીમે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે 36 બોલ બાકી હતા ત્યારે આસાનીથી લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો. પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી સૌમ્યા તિવારી 24 રન બનાવી અણનમ રહી હતી. સાથે જ જી.ત્રિશાએ પણ 24 રન બનાવ્યા હતા. કેપ્ટન શેફાલી વર્માએ ટીમની ઝોળીમાં 15 રન ઉમેર્યાં હતા.

(11:08 pm IST)