Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

પ્રથમ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતતા શ્રી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ મહિલા ખેલાડીઓને શુભેચ્‍છા પાઠવી

મહિલા ક્રિકેટમાં ભારતનો આ પહેલો વર્લ્ડ કપ છે

મુંબઇઃ ભારતે ઈંગ્લેન્ડને હરાવીને પ્રથમ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતની ઐતિહાસિક જીત પર પીએમ નરેન્દ્ર મોદીએ ભારતની દીકરીઓના વખાણ કર્યા અને તેમને વિશેષ જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું કે ભારતીય ટીમને અંડર-19 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન.

ભારતે ટાઈટલ મેચમાં ઈંગ્લિશ ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. પહેલા ભારતીય બોલરોએ તબાહી મચાવી અને ઇંગ્લિશ ટીમને 17.1 ઓવરમાં 68 રનમાં આઉટ કરી દીધી હતી.

તિતાસ સાધુ, અર્ચના દેવી, પાર્શ્વી દેવીને 2-2 સફળતા મળી હતી. મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ યાદવને એક-એક સફળતા મળી. ભારતે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો. મહિલા ક્રિકેટમાં ભારતનો આ પહેલો વર્લ્ડ કપ છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ટીમે શાનદાર ક્રિકેટ રમી અને આ સફળતા આવનારા ક્રિકેટરોને પ્રેરણા આપશે. ભારતની આ ઐતિહાસિક જીત પર ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમની ખુશીનો કોઈ પાર ન હતો.

રોહિતે ટ્વીટ કરીને ટીમને શુભકામનાઓ પાઠવી હતી કે અંડર-19 ગર્લ્સ ટીમને વર્લ્ડ કપ જીતવા પર ખૂબ ખૂબ અભિનંદન. દેશને ગૌરવ અપાવવા બદલ આભાર.

વિરાટ કોહલીએ લખ્યું કે અંડર 19 વર્લ્ડ કપ ચેમ્પિયન, કેટલી યાદગાર ક્ષણ છે. ઐતિહાસિક જીત બદલ છોકરીઓને અભિનંદન.

 

https://twitter.com/narendramodi/status/1619707207049953280

(11:50 pm IST)