Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

થાણેમાં બિલ્ડીંગનો ભાગ તૂટતાં ૭ લોકોના દર્દનાક મોત

બિલ્ડીંગ લગભગ ૨૬ વર્ષ જૂની હતી : અકસ્માત બાદ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી

મુંબઇ,તા. ૨૯: થાણે જિલ્લામાં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં શુક્રવારે મોડી રાત્રે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ મુંબઇના ઉલ્હાસનગરમાં એક ૫ માળની બિલ્ડીંગનો એક ભાગ અચાનક તૂટી પડતાં ૭ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉલ્હાસનગરના સિદ્ઘિ ઇમારતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી નાસભાગ મચી જવા પામી હતી. સમાચાર મળતાં જ થાણે મહાનગરપાલિકા અને TDRF ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે કાટમાળમાં દબાયેલા ૭ લોકોની લાશ બહાર કાઢી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ લગભગ ૨૬ વર્ષ જૂની હતી. અકસ્માત બાદ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિજનો માટે મંત્રી એકનાથ શિંદેએ ૫ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી દીધી છે.

બિલ્ડીંગ કેવી રીતે પડી ગઇ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અહીં હજુ સુધી કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. તો બીજી તરફ થાણે નગર નિગમનું બચાવ અભિયાન ચાલુ છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારી પણ ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળ પર છે. આ લોકો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. 

મૃત લોકોની યાદી

પુનીત બજોમલ ચાંદવાણી (ઉવ.૧૭)

દિનેશ બજોમલ ચાંદવાણી (ઉવ. ૪૦)

દીપક બજોમલ ચાંદવાણી (ઉવ.૪૨)

મોહિની બજોમલ ચાંદવાણી (ઉવ.૬૫)

કૃષ્ણા ઇનૂચંદ બજાજ (ઉવ.૨૪)

અમૃતા ઇનૂચંદ બજાજ (ઉવ.૫૪)

લવલી બજાજ

(10:19 am IST)