Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

હવે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના પેરા વેરિયન્ટ B.A.4 અને B.A.5એ દેખા દીધી: પુણેમાં સાત કેસ નોંધાયા

દુનિયામાં મંકિપોક્સનો કહેર વચ્ચે ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટના કેસ વધવાના શરુ

મુંબઈ :દુનિયામાં મંકિપોક્સનો કેર વચ્ચે ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટના કેસ વધવાના શરુ થયા છે. ઓમિક્રોનના નવા વેરિયન્ટ B.A.4 અને B.A.5એ હવે મહારાષ્ટ્રમાં દેખા દીધી છે. પુણેમાં B.A.4ના 4 અને B.A.5ના 3 કેસ નોંધાયા છે. બીજે મેડિકલ કોલેજ પુણેના સહયોગથી લેવામાં આવેલા જેનેટિક સિકન્વસિંગના સર્વેના નવા રિપોર્ટ અનુસાર, B.A.4 વેરિયન્ટથી સંક્રમિત 4 દર્દી અને B.A. 5 વેરિયન્ટથી 3 દર્દી મળ્યાં છે.

તમામ દર્દીઓ પુણે શહેરના છે અને 4 મેથી 18 મે 2022ની વચ્ચેના છે. તેમાં 4 પુરુષ અને 3 મહિલાઓ છે તેમાં 4ની ઉંમર 50 વર્ષથી વધુ, 2ની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે અને એકની ઉંમર 10 વર્ષથી ઓછી છે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં સાપ્તાહિક કોરોના ચેપનો દર 1.59 ટકા છે અને મુંબઈ અને પુણેમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 52.79 ટકા થઈ ગઈ છે. થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લા જેવા નજીકના વિસ્તારોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ માત્ર એક દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 18 દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.

(10:50 pm IST)