Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

પામ તેલ પર ભારતની વિદેશી નિર્ભરતા ઘટશે :કેરળમાં બમણું ઉત્પાદનનો લક્ષ્યાંક

કેરળ સરકાર અને ઓઈલ પામ ઈન્ડિયાના સંયુક્ત સાહસે રાજ્યમાં પામની ખેતી હેઠળનો વિસ્તાર વધારવાનો નિર્ણય કર્યો

ભારત ખાદ્યતેલો માટે વિદેશી દેશો પર નિર્ભર છે. આંકડાઓ અનુસાર, ભારત તેના સ્થાનિક વપરાશના 60 ટકાથી વધુ ખાદ્યતેલ વિદેશમાંથી આયાત કરે છે, જેમાંથી લગભગ 50 ટકા પામ તેલ છે. એકંદરે, ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત કરાયેલ પામ તેલ વડે ખાદ્યતેલની તેની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે. તેને ધ્યાનમાં રાખીને, ખાદ્યતેલ પર વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે ભારત લાંબા સમયથી હિમાયત કરી રહ્યું છે. આ સંદર્ભે ભારત સરકાર તેલીબિયાંનું ઉત્પાદન વધારવા પર ભાર આપી રહી છે. પરિણામે આ વર્ષે દેશની અંદર સરસવ અને સૂર્યમુખીના ઉત્પાદનમાં વધારો થયો છે. સાથે જ પામતેલનું ઉત્પાદન વધારવાના પ્રયાસો પણ તેજ થયા છે. જેમાં કેરળએ પામ ઓઈલનું ઉત્પાદન બમણું કરવાની જાહેરાત કરી છે.

કેરળ આગામી 5 વર્ષમાં પામ તેલનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. જે અંતર્ગત રાજ્યમાં તેનો વિસ્તાર વધારવામાં આવશે. આ ક્રમમાં 2023 સુધીમાં રાજ્યમાં પામનો વિસ્તાર 65 હેક્ટર સુધી વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને 2027-28 સુધીમાં, રાજ્યમાં પામની ખેતી હેઠળનો વિસ્તાર 6,500 હેક્ટર સુધી વિસ્તરણ કરવામાં આવશે. મુખ્યત્વે કોલ્લમ ખાતે ઓઈલ પામ ઈન્ડિયા, કોટ્ટાયમ ખાતે પ્લાન્ટેશન કોર્પોરેશન ઓફ કેરળ (PCK) અને 13 જિલ્લામાં વિતરિત વ્યક્તિગત ઉત્પાદકો દ્વારા કરવામાં આવશે. કેરળ દર વર્ષે 2.5 મિલિયન ટન પામ તેલનો વપરાશ કરે છે.

કેરળ સરકાર અને ઓઈલ પામ ઈન્ડિયાના સંયુક્ત સાહસે ખાદ્યતેલોની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પામની ખેતી હેઠળનો વિસ્તાર વધારવાનો નિર્ણય કર્યો છે. જેના માટે મજબૂત આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ખેડૂતોને સબસિડી અને ભાવ સપોર્ટ મિકેનિઝમથી આકર્ષવામાં આવશે. જે અંતર્ગત રાજ્યમાં રબર અને અન્ય પરંપરાગત પાકોની ખેતી કરતા ખેડૂતોને પાકના વિકલ્પ તરીકે પામની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, પામ ઓઈલ ઈન્ડિયાએ કેરળના યેરુર, ચિત્રા અને કુલાથુપુઝામાં 3,646 હેક્ટર જમીનમાં પામનું વાવેતર કરવાની યોજના બનાવી છે.

ભારતની ખાદ્યતેલોની સ્થાનિક જરૂરિયાતમાં પામ તેલ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભૂતકાળમાં, પામ તેલના ટોચના નિકાસકાર ઇન્ડોનેશિયાએ દેશમાંથી પામ તેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની અસર ભારતના બજારોમાં જોવા મળી હતી. પરિણામે તમામ ખાદ્યતેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ઇન્ડોનેશિયાની સરકારે જ્યારે પામ તેલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો, ત્યારે દેશમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો હતો

(6:43 pm IST)