Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ક્રૂડ ઓઇલ વધીને ૧૧૬ ડોલરે પહોંચ્‍યુ પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે?

ઇક્‍વાડોરમાં ઊભી થયેલી અશાંતિ અને લિબિયામાં ક્રૂડ ઓઇલના ઉત્‍પાદનમાં ઊભી થઈ રહેલી અડચણોને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટમાં સપ્‍લાયમાં ઘટાડો આવે એવી શકયતા

દુબઈઃ યુનાઇટેડ આરબ અમિરાત (UAE)ના ઊર્જાપ્રધાને કહ્યું હતું કે તેમનો દેશ ક્રૂડનું ઉત્‍પાદન સંપૂર્ણ ક્ષમતાથી કરી રહ્યો છે. તેમના નિવેદન પછી ક્રૂડ ઓઇલ બજારમાં ક્રૂડની કિંમતો એક ટકો વધી હતી. જ્‍યારે યુરોપિયન દેશોને રશિયાથી ક્રૂડ ઓઇલના સપ્‍લાયને જોતાં ઓપેકમાં UAE અને સાઉદી અરેબિયા જ એવા દેશો છે, જે ક્રૂડની માગને પહોંચી વળે એમ છે.

મંગળવારõ US વેસ્‍ટ ટેક્‍સાસ ઇન્‍ટરમિડિયેટ્‍સ (WTI) ક્રૂડ એક ટકો વધીને પ્રતિ બેરલ ૧૧૦ ડોલરે પહોંચ્‍યું હતું, જ્‍યારે બ્રેન્‍ટ ક્રૂડનું LCOc1 ફયુચર્સ ૦.૯ ટકા વધીને પ્રતિ બેરલ ૧૧૬.૧૭ ડોલરે પહોંચ્‍યું હતું. વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં ક્રૂડ ઓઇલના સપ્‍લાય તંગ બન્‍યો છે. ઓપેક અને સહયોગી દેશોની સમજૂતી હેઠળ UAE પ્રતિદિન ૩.૧૬૮ મિલિયન મહત્તમ ઉત્‍પાદન કરી રહ્યું છે, એમ UAEના ઊર્જાપ્રધાન સુહૈલ અલ મજરૂહીએ કહ્યું હતું. હવે માત્ર સાઉદી અરેબિયા જ એવો દેશ છે, જે પ્રતિદિન ૧.૫ લાખ બેરલનું ક્રૂડનું ઉત્‍પાદન વધારી શકે છે.

વિશ્‍લેષકોના જણાવ્‍યા મુજબ ઇક્‍વાડોરમાં ઊભી થયેલી અશાંતિ અને લિબિયામાં ક્રૂડ ઓઇલના ઉત્‍પાદનમાં ઊભી થઈ રહેલી અડચણોને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટમાં સપ્‍લાયમાં ઘટાડો આવે એવી શકયતા છે. ઇક્‍વાડોરના ઊર્જાપ્રધાને ઓઇલ સપ્‍લાયમાં આવી રહેલી મુશ્‍કેલીઓ માટે કહ્યું હતું કે સરકારવિરોધી આંદોલનોને કારણે અમે બે દિવસમાં ક્રૂડ ઓઇલનું ઉત્‍પાદન બંધ કરી રહ્યા છીએ. ઇક્‍વાડોર પ્રતિદિન આશરે ૫.૨ લાખ બેરલ ક્રૂડનું ઉત્‍પાદન કરે છે.

(10:12 am IST)