Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ઉધ્‍ધવ V/S શિંદે : કાલે ૧૧ વાગ્‍યે તાકાતના પારખા

મહારાષ્‍ટ્રનું રાજકીય ધમાસાણ હવે અંત ભણીઃ રાજયપાલે ઉધ્‍ધવ સરકારને કાલે બહુમતી સાબિત કરવાનો આપ્‍યો આદેશ : કાલે વિધાનસભાનું ખાસ સત્રઃ ઉધ્‍ધવ સરકારની અગ્નિપરીક્ષાઃ શું ફલોર ટેસ્‍ટમાં તાકાત સાબિત કરી શકશે ? જબરી ચર્ચાઃ શિંદે જુથ મુંબઇ ભણી

મુંબઇ, તા.૨૯: મહારાષ્‍ટ્રની રાજકીય ઉથલપાથલ હવે નિર્ણાયક તબક્કે આવી પહોંચી છે કાલે નક્કી થઇ જશે કે રાજયમાં ઉધ્‍ધવ સરકાર રહેશે કે નહિ કાલે વિધાનસભામાં સરકારની અગ્નિપરીક્ષા થશે. રાજયપાલે સરકારને કાલે ૧૧ વાગ્‍યે બહુમતી સાબિત કરવા આદેશ આપ્‍યો છે તે પછી રાજકીય પ્રવૃતિઓ વેગવંતી બની છે.

મહારાષ્‍ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે આવતીકાલે એટલે કે ૩૦ જૂને વિશ્વાસ મત સાબિત કરવાનો રહેશે. રાજ્‍યપાલ ભગત સિંહ કોશ્‍યારીએ આ અંગે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્‍યું છે. તેનો એકમાત્ર એજન્‍ડા ફ્‌લોર ટેસ્‍ટ છે. કોશ્‍યારીએ મહારાષ્‍ટ્ર વિધાનસભાના સચિવને ગુરુવારે સવારે ૧૧ વાગ્‍યે ઉદ્ધવ ઠાકરેની સરકારનો ફ્‌લોટ ટેસ્‍ટ કરવા જણાવ્‍યું છે. રાજ્‍યપાલે પોતાના પત્રમાં એમ પણ કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં વિધાનસભાની કાર્યવાહી સાંજે ૫ વાગ્‍યા સુધીમાં પૂરી થઈ જવી જોઈએ.

જણાવી દઈએ કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું છે કે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધને ગળહમાં બહુમતી ગુમાવી દીધી છે. શિંદેના જણાવ્‍યા અનુસાર, વિધાયક દળના ૩૮ સભ્‍યોએ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. આવી સ્‍થિતિમાં ઠાકરે સરકાર માટે સરકારને બચાવવી સરળ નહીં હોય.

બળવાખોર ધારાસભ્‍યોનું જૂથ હજુ પણ જુદા જુદા વિચારોની ચર્ચા કરી રહ્યું છે. તેની પાસે આજે બપોર સુધીમાં ગોવા જવાનો અને પછી ફ્‌લોર ટેસ્‍ટમાં ભાગ લેવા માટે આવતીકાલે મુંબઈ જવાનો વિકલ્‍પ છે. જો ધારાસભ્‍યો ગોવા જશે તો આ લોકો તાજ હોટલમાં રોકાશે. અહીં ૭૧ રૂમ બુક કરવામાં આવ્‍યા છે. આ લોકો ત્રણ જેટ એરક્રાફ્‌ટ દ્વારા સાંજે ૪ વાગ્‍યા સુધીમાં ગોવા પહોંચી શકશે.

બીજી તરફ, બીજો વિકલ્‍પ એ છે કે બળવાખોર ધારાસભ્‍યોએ ફ્‌લોર ટેસ્‍ટમાં ભાગ લેવો જોઈએ નહીં. આ સ્‍થિતિમાં પણ MVA આઘાડી સરકાર પડી જશે. કારણ કે શિંદે જૂથમાં ૪૯ ધારાસભ્‍યો છે.

મહારાષ્‍ટ્રમાં ફ્‌લોર ટેસ્‍ટ પહેલા મહાવિકાસ આઘાડી સરકારની મુશ્‍કેલીઓ વધી ગઈ છે. NCPના ચાર ધારાસભ્‍યો છે જે આવતીકાલે ફ્‌લોર ટેસ્‍ટમાં ભાગ લઈ શકશે નહીં. જેમાં અજિત પવાર, છગન ભુજબળ કોવિડ સંક્રમિત છે. નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં બંધ છે. આ ચાર લોકો આવતીકાલે ફ્‌લોર ટેસ્‍ટમાં હાજર રહી શકશે નહીં.

મહારાષ્‍ટ્રના રાજ્‍યપાલ ભગત સિંહ કોશ્‍યારીએ આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્‍યું છે અને ફ્‌લોર ટેસ્‍ટની વાત કરી છે. પરંતુ આ નિર્દેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

ઉદ્ધવ જૂથ માંગ કરશે કે ૧૬ બળવાખોર ધારાસભ્‍યોની સદસ્‍યતા સમાપ્ત કરવાના મામલાને ફ્‌લોર ટેસ્‍ટ પહેલા પતાવવો જોઈએ. આ અંગેની આગામી સુનાવણી ૧૨ જુલાઈએ થવાની છે.

(11:24 am IST)