Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મહારાષ્‍ટ્ર : ઉધ્‍ધવ સરકારે બહુમતી સાબિત કરવી પડશે કે નહિ ? સાંજે ૫ વાગ્‍યે સુપ્રિમનો ફેંસલો

મહારાષ્‍ટ્રમાં રાજકીય ઉત્તેજના : બેઠકોના દોર : રાજ્‍યપાલના આદેશને સુપ્રિમમાં પડકારતુ શિવસેના

મુંબઇ તા. ૨૯ : શિવસેનાએ ગુરૂવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફલોર ટેસ્‍ટ કરાવવાના રાજયપાલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાજયપાલ ભગત સિંહ કોશ્‍યારીના આદેશ વિરૂદ્ધ શિવસેનાના ચીફ વ્‍હીપ સુનીલ પ્રભુ વતી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આજે સાંજે ૫ વાગ્‍યે આ અંગે સુનાવણીનો સમય નક્કી કર્યો છે. આ સાથે કોર્ટે તમામ પક્ષકારોને બપોર સુધીમાં અરજીની નકલ સોંપવા જણાવ્‍યું છે. મહારાષ્‍ટ્ર રાજકીય ઉત્તેજના વચ્‍ચે બેઠકોના દોર ચાલુ તેમજ રાજ્‍યપાલના આદેશને શિવસેનાએ સુપ્રિમ કોર્ટમાં પડકારયો છે.
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી શિવસેનાનું પ્રતિનિધિત્‍વ કરશે. તેણે કોર્ટ પાસે માંગ કરી છે કે રાજયપાલના નિર્ણય પર સ્‍ટે મુકવાની તાતી જરૂર છે અને સર્વોચ્‍ચ અદાલતે આ મામલે હસ્‍તક્ષેપ કરવો જોઈએ. ફલોર ટેસ્‍ટ ઓર્ડરનો વિરોધ કરતા સંજય રાઉતે કહ્યું કે આ નિર્ણય ગેરબંધારણીય છે અને તેના દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
સંજય રાઉતે કહ્યું, હાલમાં ૧૬ ધારાસભ્‍યોને ગેરલાયક ઠેરવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્‍ડિંગ છે. આવી સ્‍થિતિમાં તે પહેલા ફલોર ટેસ્‍ટનો આદેશ આપવો એ ખોટું અને સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. તેમણે કહ્યું કે ભાજપ ગવર્નર હાઉસમાંથી રાજનીતિ કરી રહી છે. દરમિયાન, એકનાથ શિંદે જૂથે પણ આવતીકાલે ફલોર ટેસ્‍ટ માટે મુંબઈ પહોંચવાની જાહેરાત કરી છે. જો કે આ પહેલા તમામ ધારાસભ્‍યો આજે ગોવાની તાજ હોટલમાં રોકાયા હોવાની ચર્ચા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આની પાછળની રણનીતિ એ છે કે ધારાસભ્‍યો છેલ્લા પ્રસંગ પર પહોંચે જેથી તેમને તોડી ન શકાય.
રાજયપાલે પત્ર લખીને ૩૦ જૂને સવારે ૧૧ વાગ્‍યે ફલોર ટેસ્‍ટ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો આદેશ આપ્‍યો છે. વિધાનસભા સચિવ રાજેન્‍દ્ર ભાગવતને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે ૭ અપક્ષ ધારાસભ્‍યો તરફથી મળેલા ઈમેલ અને વિપક્ષના નેતા દ્વારા આપવામાં આવેલા પત્રમાં એવું કહેવામાં આવ્‍યું છે કે સીએમ ઉદ્ધવ ઠાકરેએ બહુમતી ગુમાવી દીધી છે. આવી સ્‍થિતિમાં, ફલોર ટેસ્‍ટ જરૂરી લાગે છે અને તેના માટે ૩૦ જૂને વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ. આટલું જ નહીં, પોતાના પત્રમાં તેમણે કહ્યું કે ફલોર ટેસ્‍ટની પ્રક્રિયા ૩૦ જૂને સાંજે ૫ વાગ્‍યા સુધીમાં પૂરી કરી દેવી જોઈએ.

 

(3:06 pm IST)