Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

૪ જુલાઈ સુધી નિયમોનું પાલન નહીં કરે તો ટ્વીટર સામે પગલાંનો આદેશ

જૂનના ઓર્ડરનું પાલન કરવા કેન્દ્રએ નોટિસ પાઠવી : જો આ ઓર્ડરનું પાલન કરવામાં નહી આવે તો ભારત સરકાર નિયમ અનુસાર કંપની સામે કાર્યવાહી કરી શકશે

નવી દિલ્હી,તા.૨૯: માઈક્રોબ્લોગીંગ વેબસાઈટ ટ્વીટરને તા.૪ જુલાઈ સુધીમાં કેન્દ્ર સરકારે આપેલા જૂનના ઓર્ડરનું પાલન કરવા માટેનો કેન્દ્ર સરકારે એક નોટીસ પાઠવી આદેશ કર્યો છે. જો આ ઓર્ડરનું પાલન કરવામાં નહી આવે તો ભારત સરકાર નિયમ અનુસાર કંપની સામે કાર્યવાહી કરી શકશે.

કાર્યવાહીમાં અત્યારે ટ્વીટર એક મધ્યસ્થી સેવા છે. આથી તેના ઉપર કોઈ પોસ્ટ કે કોમેન્ટ કરનાર વ્યક્તિ સામે કેસ થઇ શકે છે, દંડ થઇ શકે છે. આદેશનું પાલન કરવામાં ટ્વીટર નિષ્ફળ રહે તો સરકાર તેના મધ્યસ્થી તરીકેના દરજ્જાને રદ્દ કરશે અને કોઈ આપતિજનક પોસ્ટ કે કોમેન્ટ માટે ટ્વીટર એક કંપની તરીકે જવાબદાર ઠરી શકે છે.

જૂનના પ્રારંભે કેન્દ્ર સરકારે એક નોટીસ ટ્વીટરને પાઠવી હતી પણ કંપનીએ તેનું પાલન કર્યું નથી. હવે તા.૨૭ જૂને વધુ અને અંતિમ નોટીસ મોકલવામાં આવી છે.

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧માં વિનંતી કરતા ટ્વીટરે ૮૦ જેટલા એકાઉન્ટ બંધ કર્યા હતા. આમ છતાં ટ્વીટર અને સરકાર વચ્ચે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. સરકારે જણાવ્યું હતું કે ટ્વીટર સામે આવા બીજા કેટલાક આદેશ થયેલા છે અને તેનું પાલન કંપનીએ કરવાનું બાકી છે.

(8:10 pm IST)