Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૩૦૦૦ કેસોમાંથી ૫૦ ટકા કેરળના

૨૪ કલાકમાં કોરોનાથી ૬૪૦ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪.૨૨ લાખને પાર : એકિટવ કેસ ૩.૯૯ લાખ : મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસો ઘટયા : કેરળમાં વધ્યા

નવી દિલ્હી તા. ૨૯ : કેરળમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયો હોય તેમ કેસો વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં જેટલા પણ કોરોનાના નવા કેસો સામે આવ્યા છે તેમાંથી ૫૦ ટકા માત્ર કેરળના છે. બીજી તરફ ભારતમાં કોરોના વાઇરસના નવા ૪૩ હજાર કેસો સામે આવ્યા છે અને વધુ ૬૪૦ લોકોના મોત નિપજયા છે, જયારે દેશભરમાં એકિટવ કેસોની સંખ્યા ૩.૯૯ લાખે પહોંચી ગઇ છે.

કેન્દ્ર સરકારે કોરોના મહામારીની ગાઇડલાઇનને ૩૧મી ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. સાથે કહ્યું છે કે કોરોના મહામારી સામે પહોંચી વળવા માટેના પ્રયાસોમાં સંતોષને કોઇ જ સ્થાન નથી માટે પ્રયાસો જારી રાખવા રાજયોને કેન્દ્રએ સલાહ આપી હતી. અને કહ્યું હતું કે દેશમાં પોઝિટિવિટ કેસોની સંખ્યા હજુ પણ ઉચી છે.  હાલમાં જ આઇસીએમઆર દ્વારા રાષ્ટ્રીય સ્તરનો સીરો સરવે જાહેર કરવામાં આવ્યો હતો, એવામાં કેન્દ્ર સરકારે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે દરેકે પોત પોતાની ક્ષમતા પ્રમાણે સીરોસરવે હાથ ધરવો જોઇએ, આ માટે રાજયોએ આઇસીએમઆરની મદદ લેવાની રહેશે. સીરોસરવેમાં કોરોના મહામારીનું અનુમાન વ્યકત કરવામાં આવે છે.

બીજી તરફ કોરોના વાઇરસના જે નવા કેસો સામે આવ્યા છે તેમાંથી ૫૦ ટકા માત્ર કેરળના છે. કેરળમાં હાલમાં જ કેટલાક ધાર્મિક કાર્યક્રમ જેમ કે બકરી ઇદ વગેરે સમયે લોકડાઉનને છુટ આપવાનો નિર્ણય લેવાયો હતો. જયારે જે ૬૪૦ લોકોના મોત નિપજયા છે તેમાં ૨૫૪ મહારાષ્ટ્રના છે. જયારે ૧૫૬ કેરળ, ૬૦ ઓડિશાના છે.

(11:34 am IST)