Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોદી સરકાર રાષ્ટ્રીય મુદ્દા પર વિપક્ષને નથી કરવા દેતી ચર્ચા : વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરે છે :રાહુલ ગાંધી

'આપણી લોકશાહીનો પાયો એ છે કે સાંસદો લોકોનો અવાજ બને અને રાષ્ટ્રીય મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરે: સંસદનો વધુ સમય બગાડો નહીં - ચાલો મોંઘવારી, ખેડૂતો અને પેગાસસ વિશે વાત કરીએ.

નવી દિલ્હી :  સંસદનું ચોમાસું સત્રમાં તાજેતરમાં હોબાળો મચી રહ્યો છે. વિપક્ષ મોંઘવારી, ખેડૂત આંદોલન અને Pegasus સહિતનાં મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યો છે. ભાજપ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓએ આક્ષેપ કર્યો છે કે વિપક્ષ સંસદની કાર્યવાહી ચાલુ કરવા દેતુ નથી. સંસદમાં હંગામા વચ્ચે, ગુરુવારે રાહુલ ગાંધીએ ફરી એક ટ્વીટ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમની પોસ્ટમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, એનડીએ સરકાર સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે.

  રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'આપણી લોકશાહીનો પાયો એ છે કે સાંસદો લોકોનો અવાજ બને અને રાષ્ટ્રીય મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરે. મોદી સરકાર વિપક્ષને આ કામ કરવા દેતી નથી. સંસદનો વધુ સમય બગાડો નહીં - ચાલો મોંઘવારી, ખેડૂતો અને પેગાસસ વિશે વાત કરીએ. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ દ્વારા ખેડૂત આંદોલન અને પેગાસસ સ્પાયવેરને લઈને કેન્દ્ર સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો છે. આપને જણાવી દઈએ કે, પેગાસસ સ્પાયવેરથી લોકોની જાસૂસી કરવાના મીડિયા અહેવાલોથી કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો કેન્દ્ર સરકારને આ મામલાની તપાસ કરવા માંગ કરી રહ્યા છે.

   એક દિવસ પહેલા એટલે કે બુધવારે પેગાસસ મુદ્દે સંસદમાં ઘણો હંગામો થયો હતો. રાહુલ ગાંધીએ પણ આ અંગે મોદી સરકારને ઘેરી લીધી હતી અને કહ્યું હતું કે, અમે ફક્ત એટલું જાણવા માંગીએ છીએ કે સરકારે પેગાસસ ખરીદ્યો હતો કે નહીં, પરંતુ સરકાર તેનો જવાબ આપી રહી નથી. તેમણે કહ્યું કે, સરકાર પેગાસુસ પર જાસૂસી કરે તે રાજદ્રોહ સમાન છે. સંસદમાં અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. અમારો એક સવાલ છે કે કેન્દ્ર સરકારે પેગાસુસ ખરીદ્યો હતો કે નહીં? કેન્દ્ર સરકારે તેનો ઉપયોગ તેના દેશની જનતા વિરુદ્ધ કર્યો કે નહીં?

(11:46 am IST)