Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

લોન ચાલતી હોય તે બેંકમાં જ કરંટ ખાતુ રાખવા વેપારીઓને આદેશ

GST અને ITની ચોરી અટકાવવા સરકારનો વધુ એક તુક્કો : RBIએ પરિપત્ર બહાર પાડતા વેપારીઓની હેરાનગતિમાં વધારો થશે

મુંબઇ તા. ૨૯ : કરચોરી અટકાવવાની સાથે સાથે વેપારીઓ એક બેંકમાંથી લોન લીધા બાદ તેને ભરવાના બદલે હાથ અધ્ધર કરી દેવાના કિસ્સામાં સતત વધારો થવાના લીધે હવે જે બેંકમાંથી લોન લીધી હશે તેમાં જ ફરજિયાત કરંટ ખાતુ ખોલવવાનો આદેશ આરબીઆઇએ કર્યો છે. તેમજ આ માટેનો સત્તાવાર પરિપત્ર પણ તમામ બેંકને મોકલી આપવામાં આવ્યો છે. જેથી બેંક દ્વારા પણ વેપારીઓને આરબીઆઇના આદેશ પ્રમાણે કરંટ ખાતું ખોલાવવાનંુ અલ્ટિમેટમ આપતા વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે.

કોરોનાકાળમાં વિલફુલ ડિફોલ્ટરની સંખ્યામાં વધારો થયો છે, એટલે કે બેંકમાંથી લોન લીધા બાદ તે ભરપાઇ કરી શકવામાં સક્ષમ નહીં હોય તેને વિલફુલ ડિફોલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. વિલફુલ ડિફોલ્ટરની સંખ્યામાં ઘટાડો કરવાની સાથે બેંકોએ આપેલી લોન માંડવાળ નહીં કરવી પડે તે માટે આરબીઆઇએ નવો રસ્તો શોધી કાઢયો છે. આ માટે વેપારીએ જે પણ બેંકમાંથી વેપારને આગળ વધારવા માટે લોન લીધી હશે તે જ બેંકમાં ફરજિયાત કરંટ ખાતંુ ખોલાવવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે વેપારીઓના ટર્નઓવરની સાથે સાથે કેટલી લોન છે તેવી તમામ વિગતો બેંકોની સાથે સાથે જીએસટી અને આઇટી વિભાગને પણ ઓનલાઇન જ મળી રહેશે. જેથી વેપારી દ્વારા જયારે રિટર્ન ભરવામાં આવે ત્યારે કરચોરી પણ નહીં કરી શકે તેવો પણ પ્રયાસ આના થકી જ કરવામાં આવી રહ્યો હોવાનુ જાણકારો કહી રહ્યા છે.

સીસી - ઓડી માટે પણ નિયમ લાગુ પડશે

કોઇપણ પ્રકારની લોનની સાથે સાથે વેપારીએ સીસી (કેશ ક્રેડિટ) અને ઓડી (ઓવરડ્રાફટ) લીધો હશે તો તેણે પણ ફરજીયાત તે જ બેંકમાં કરંટ ખાતુ ખોલાવવાનું રહેશે તેનો સીધો ફાયદો બેંકને થવાનો છે.

નાણાકીય સ્થિતિ જાણવા માટે પરિપત્ર બહાર પડાયો

બેંકીંગ તજજ્ઞ જતીન નાયક કહે છે કે, આરબીઆઇએ અગાઉ આ પરિપત્ર બહાર પાડયો હતો. જોકે, તેમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારામાં વેપારી અને ઉદ્યોગકારોની નાણાકીય સ્થિતિ જાણવા માટે પગલુ ભરાયું છે જે બેંકમાંથી લીધી હોય તે બેંકમાં જ વેપારી - ઉદ્યોગકારનું કરંટ ખાતુ ફરજીયાત રાખવું પડશે.

(12:57 pm IST)