Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કેરળની ૬૬% વસ્તી કોરોનાના ભરડામાં

૪૩ હજાર કુલ કોરોના કેસમાંથી ૨૨ હજાર કેસ કેરળમાં : મહારાષ્ટ્ર - નોર્થ - ઈસ્ટમાં પણ ચિંતાજનક સ્થિતિ : કન્ટેનમેન્ટ ઝોન તરફ ધ્યાન ન અપાયુ : ઈદના તહેવારો ઉપર છૂટછાટો કારણભૂત બન્યા : હવે ગુજરાતમાં પણ એવી જ છૂટછાટો તહેવારો માટે જાહેર થઈ છે!!

કેરળ : કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પૂર્વના રાજયોમાં કોરોના સતત વધવા લાગ્યો છે. કેરળમાં આજેય દેશના કુલ નવા કોરોના કેસના ૫૦% એટલે કે ૨૨ હજારથી વધુ કેસ નોંધાયા છે. જે છેલ્લા ૨૪ દિવસમાં સૌથી વધુ છે. કેરળે કેન્દ્રની ચિંતા વધારી દીધી છે. મોદી સરકાર નિષ્ણાંતોની ટીમ મોકલી રહી છે.

કેરળ સરકારે આવતીકાલે ૩૧ જુલાઈ અને ૧ ઓગષ્ટ એમ બે દિવસનો સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યો છે. બીજી લહેર પછી આ રાજયોમાં કોરોના ઘટવા લાગેલ ત્યાં ફરી ત્રીજી લહેરના પગરવ મંડાયા હોય તેમ કેસ વધવા લાગ્યા છે.

આ પૂર્વે આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે રોજના ૪ લાખ કોરોના કેસમાંથી ઘટીને રોજના ૨ લાખ થતા ૨૬ દિ' લાગેલ. ૨ લાખમાંથી ૧ લાખ કેસ થતા ૧૧ દિવસ, ૧ લાખમાંથી ૫૦ હજાર થતા ૨૦ દિવસ લાગેલ પરંતુ દેશમાં છેલ્લા ૩૧ દિવસથી રોજના નવા કોરોના કેસ સતત ૩૦ થી ૪૦ હજાર વચ્ચે રમી રહ્યા છે.

ગઈકાલથી આજ સવાર સુધીમાં આવેલ આંકડા મુજબ દેશના કુલ કોરોના કેસ ૪૩ હજાર ઉપર છે. તેમાંથી એકલા કેરળમાં ૨૨ હજાર ઉપર અને ૮૦% કોરોના કેસ કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર - પૂર્વના રાજયોના છે.

ડરાવનારી બાબત એ છે કે દેશના કુલ કોરોના કેસમાંથી ૫૦%થી ઉપર કેસો એકલા કેરળમાંથી છે. આરોગ્ય મંત્રાલય એવુ કહે છે કે અહિં કેસો વધવા પાછળના ખાસ કારણોમાં ૬૬% વસ્તી કોરોના સંક્રમણના ઘેરાવામાં આવી ગઈ છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સ્ટ્રેટજી ઉપર ઓછુ ધ્યાન આપવુ અને ઈદના તહેવારો ઉપર છૂટ એ મુખ્ય કારણો છે.

(1:00 pm IST)