Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરવા નવી ગાઇડલાઇન : કોરોના નેગેટીવ રિપોર્ટ ઉપરાંત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન જરૂરી

નવી દિલ્હી, તા. ર૯ : ભૂસ્ખલન જેવી કુદરતી આફત ભોગવી રહેલા ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણ રોકવા માટે હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરનારા માટે નવી SOP લાગૂ કરાઈ છે

ગંગામાં અસ્થિઓ પ્રવાહિત કરવા માટે અનેક લોકો હરિદ્વાર આવે છે. આ સાથે અહીં પહેલાથી કેટલાક નિયમો બનાવાયા છે. જો તેનું પાલન ન કરાય તો પ્રવેશ કરનારાને પ્રવેશ માટેની મંજૂરી મળતી નથી. જિલ્લાધિકારીએ જાહેર કરેલા નવા નિયમ અનુસાર કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહે છે. આ સાથે તેઓએ અહીં આવતા પહેલા જ સ્માર્ટ સિટી પોર્ટલ  http.//smartcitydehradun.uk.gov.in પર રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહે છે.

અસ્થિઓ પ્રવાહિત કરવા આવનારા લોકોએ ૭૨ કલાક પહેલાનો RT-PCRનો નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહે છે. આ સિવાય જે લોકોએ કોરોનાની વેકિસનના બંને ડોઝ લીધા છે તેઓ માટે આ રિપોર્ટની જરૂર નથી. તેઓએ પોર્ટલ પર રજિસ્ટ્રેશન દેખાડવાનું રહેશે. આ નિયમ ૬ ઓગસ્ટ સુધી કાયમ રહેશે. 

કાંવડ યાત્રા પર પ્રતિબંધ મૂક્યા બાદ અનેક લોકો છૂપાઈને આવવાની કોશિશ કરી રહ્યા છે. કેટલાક અન્ય રાજ્યોથી અસ્થિ વિસર્જન માટે પણ આવે છે. તેમાં રેન્ડમ સેમ્પલમાં કેટલાક લોકો પોઝિટિવ હોવાનું સામે આવ્યું અને માટે આ નિયમ તૈયાર કરાયા છે. જેથી આવનારા સમયમાં કોરોનાના કેસને કંટ્રોલમાં રાખી શકાય.

(2:54 pm IST)