Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સંસદ ઠપ્પ : બંને ગૃહમાં વિપક્ષની ધમાલ

ગૃહ સ્થગિત : જાસૂસીકાંડ અંગેની ચર્ચા પર વિપક્ષ અડગ : હોબાળા વચ્ચે લોકસભામાં ૨ અને રાજ્યસભામાં એક બિલ પસાર

નવી દિલ્હી તા. ૨૯ : પેગાસસ જાસૂસીકાંડની તપાસની માંગ અંગે વિપક્ષી દળોએ અત્યાર સુધી ગૃહની કાર્યવાહી ચાલવા દિધી નથી. આજે પણ સંસદમાં વિપક્ષના હોબાળાના કારણે બંને ગૃહને સ્થગિત કરવી પડી. વિપક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી સરકાર ચર્ચા માટે તૈયાર નહિ થાય ત્યાં સુધી સંસદનો સંગ્રામ ચાલુ જ રહેશે. બીજીબાજુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં હોબાળો કરતા સાંસદોને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે, જો આવું જ રહેશે તો સાંસદો વિરૂધ્ધ કાર્યવાહી કરવી પડશે. સરકારે લોકસભામાં બે અને રાજ્યસભામાં એક બિલ પસાર કરીને એ સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિપક્ષના દબાણની તેને કોઇ પરવાહ નથી.

સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો ચાલુ છે. વિપક્ષી સાંસદ ગૃહના વેલની પાસે જમા થઇ ગયા અને વિવિધ મુદ્દા પર દેખાવો કર્યા ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. બીજી બાજુ હોબાળાના લીધે લોકસભાને ૨ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી છે.

સંસદના મોનસુન સત્રનો આજે ૯મો દિવસ છે. પેગાસસ જાસૂસી મામલો કૃષિ કાયદા અને મોંઘવારી અંગે વિપક્ષો સતત ધમાલ કરી રહ્યા છે. સંસદ ચાલુ રહેલા અવરોધ અંગે લોકસભા સ્પીકરે સાંસદોને ચેતવણી આપીને કહ્યું કે, સાંસદોએ સંસદની ગરીમા જાળવવી જોઇએ.

(3:31 pm IST)