Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

આસામના ૩ જિલ્લામાં બંધ, મિઝોરમને નાકાબંધીનો ડર

બે રાજ્યોનો સરહદનો વિવાદ થાળે પડતો નથી : નવી દિલ્હી ખાતે આસામ અને મિઝોરમના મુખ્ય સચિવો અને પોલીસ ડાયરેક્ટર જનરલ્સની બેઠક યોજાઈ

 

નવી દિલ્હી, તા.૨૯ : મિઝોરમને અડીને આવેલી સરહદ પર સોમવારે થયેલી હિંસક અથડામણમાં પોલીસકર્મી સહિત લોકોના મોત થયા તેના વિરોધમાં બુધવારે આસામની બરાક ઘાટીના જિલ્લામાં બંધનું આહ્વાન આપવામાં આવ્યું હતું. બંધ ખૂબ શાંતિપૂર્ણ રહ્યું હતું પરંતુ સ્થિતિ તણાવભરી બની રહી છે. સરહદ પર હિંસાના ડરથી મિઝોરમને નાકાબંધીનો ડર સતાવી રહ્યો છે કારણ કે, આસામમાં પ્રદર્શનકારીઓએ પાડોશી રાજ્યમાં જનારા ટ્રકોને રસ્તા પર રોકી દીધા છે.

સોમવારે થયેલી અથડામણ બાદ બંને રાજ્યના પોલીસ દળ સરહદ પર તૈનાત છે. જોકે અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, શાંતિ જાળવી રાખવાના ઉદ્દેશ્યથી પોલીસ દળોને સરહદથી ૧૦૦ મીટર અંદર પાછા લાવી દેવામાં આવ્યા છે. આસામની બરાક ઘાટીના જિલ્લા કછાર, હૈલાકાંડી અને કરીમગંજ ખાતે બુધવારે ૧૨ કલાકના બંધનું આહ્વાન આપવામાં આવ્યું હતું. સવારે ૫:૦૦ કલાકે રૂ થયેલા બંધ દરમિયાન તમામ વ્યાપારિક પ્રતિષ્ઠાન, દુકાનો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા અને રસ્તાઓ પર પણ અમુક વાહનો જોવા મળ્યા હતા. જોકે ઈમરજન્સી સેવાઓને બંધમાં છૂટ આપવામાં આવી હતી અને ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે અપ્રભાવિત રહી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પર નવી દિલ્હી ખાતે આસામ અને મિઝોરમના મુખ્ય સચિવો અને પોલીસ ડાયરેક્ટર જનરલ્સની બેઠક યોજાઈ હતી. તેમાં સરહદ વિવાદ, હિંસક અથડામણ અને શાંતિ જાળવી રાખવાને લઈ ચર્ચા થઈ હતી.

(7:07 pm IST)