Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ભારતને ૨૦૨૧ના પ્રારંભે મળશે વેકસીનઃ કિંમત હશે રૂ.૨૨૫-૫૫૦

ભારતીય કંપની જાયડસ-ભારતીય બાયોટેક-બાયોલોજીકલ ઇ પણ પોતાની વેકસીન પર કામ કરી રહી છે

નવી દિલ્હી, તા.૨૯: જેમ-જેમ કોવિડ-૧૯ની વેકસીનનું પરિક્ષણ ઝડપથી આગળ વધી રહ્યું છે, ભારતીય બજારમાં ૨૦૨૧ની શરૂઆતમાં એક સ્વીકૃત વેકસીન થઈ જવાની આશા વધી રહી છે. બર્નસ્ટીને એક રિપોર્ટમાં કહ્યું છે કે, વૈશ્વિક સ્તર પર ચાર સંભવિત વેકસીન છે, જે ૨૦૨૦ના અંત અથવા ૨૦૨૧ની શરૂઆતમાં મંજૂરી મલી જવાની આશા છે. તેમાંથી બે વેકસીન એસ્ટ્રાજેનેકા ઓકસફોર્ડની વાયરલ વેકસટર વેકસીન અને નોવાવેકસની પ્રોટિન સબયૂનિટ વેકસીન સાથે ભારતે ભાગીદારી કરેલી છે.

રિપોર્ટ અનુસાર, હાલના દિવસોમાં વેકસીન માટે સુરક્ષા અને પ્રતિરક્ષા પ્રતિક્રિયાની ક્ષમતા વધારવામાં પ્રથમ અને બીજા તબક્કાના પરિક્ષણ ભરોસાલાયક લાગી રહ્યા છે. આપણે આ મામલે આશાવાદી છીએ કે, ભારતમાં ૨૦૨૧ના પ્રથમ ત્રણ અઠવાડીયામાં બજારમાં એક સ્વીકૃત વેકસીન ઉપલબ્ધ થઈ જશે.

બર્નસ્ટીન અનુસાર, વેકસીનની કિંમત પ્રતિ ખોરાક ત્રણથી છ ડોલર (૨૨૫થી ૫૫૦ રૂપિયા) હોઈ શકે છે અને ક્રિયાન્વયનની મુશ્કેલીના કારણે સામૂહિક પ્રતિરક્ષા વિકસિત થવામાં બે વર્ષ લાગી શતે છે. તેનું કારણ વ્યાપક સ્તર પર ટીકાકરણના મામલામાં ઓછો અનુભવ હોવાનું છે.

રિપોર્ટ અનુસાર, મોટા સ્તર પર ટીકાકરણના બે અનુભવ છે. એક ૨૦૧૧નો પોલિયો અભિયાન અને બીજો સધન મિશન ઈન્દ્રધનુષ (આઈએમઆઈ), પરંતુ તેનું સ્તર કોવિડ-૧૯ માટે અપેક્ષિત સ્તરના એક તૃતિયાંશ જેટલું જ હતું. બર્નસ્ટીને કહ્યું કે, શીત ભંડાર ગૃહોની શ્રુંખલા તથા કુશળ શ્રમની અછત બે મોટા પડકાર બની શકે છે. જો એવું માનીને ચાલીએ કે, કાર્ય કરવાની ગતિ પહેલાની તુલનામાં ડબલ હશે, તો પણ સરકારી કાર્યક્રમોના અમલમાં આવતા ૧૮થી ૨૦ મહિના લાગશે.

તેમણે કહ્યું કે, અમારૂ માનવું છે કે, શરૂઆતમાં વેકસીન સ્વાસ્થ્યકર્મીઓ અને ૬૫ વર્ષથી મોટી ઉંમરના લોકોને આપવામાં આવશે. ત્યારબાદ વેકસીન આવશ્યક સેવામાં લાગેલા લોકોને તથા આર્થિક રીતે ગરીબ લોકોને આપવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, નોવાવેકસની વેકસીન એજેડ અને ઓકસફોર્ડની તુલનામાં શાનદાર પરિણામ આપી રહી છે. બંનેએ પહેલા બે તબક્કામાં સારૂ પરિણામ આપ્યું છે અને હવે ત્રીજા તબક્કામાં છે. તેના માટે એક વ્યકિતને ૨૧થી ૨૮ દિવસના અંતરાલમાં બે ખોરાક આપવાની જરૂરત હશે.

તેમણે કહ્યું કે, સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા પહેલી વેકસીનને રજુ કરવા માટે પુરી રીતે તૈયાર છે. સીરમ ઈન્સ્ટીટ્યુટે એજેડ ઓકસફોર્ડ તથા નોવાવેકસ બંને સાથે તેમની સંભવીત વેકસીનના ઉત્પાદનનો કરાર કર્યો છે. તેની પાસે પ્રોટિન સબ યુનિટ અને વાયરલ વેકટર બંને પ્રકારની વેકસીનની ઉત્પાદનની ક્ષમતા છે. જરૂરત પડવા પર બંને પ્રકારની ક્ષમતાઓને બદલીને કોઈ એકને હજુ વદારી શકાય છે. એટલે કે આપણને ઉત્પાદન માટે કોઈ અવરોધ નથી દેખાતો.

તેમણે કહ્યું કે, સીરમ એક અબજ ખોરાકની વધારાની ક્ષમતા પર પણ કામ કરી રહી છે. અમારૂ અનુમાન છે કે, તે ૨૦૨૧માં ૬૦ કરોડ ખોરાક અને ૨૦૨૨માં એક અબજ કોરાક બનાવી શકાશે. તેમાંથી ૨૦૨૧માં ભારત માટે ૪૦થી ૫૦ કરોડ ખોરાક ઉપલબ્ધ હશે.

આ સિવાય ભારતની ત્રણ કંપની જાયડસ, ભારત બાયોટેક અને બાયોલોજિકલ ઈ પણ પોતાની વેકસીન પર કામ કરી રહી છે. આ વેકસીન પ્રથમ અને બીજા તબક્કાના પરિક્ષણમાં છે. બર્નસ્ટીને અનુમાન વ્યકત કર્યું કે, ભારતની વેકસીન નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં છ અબજ ડોલરનું થઈ શકે છે.

(10:00 am IST)