Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

બ્લેક પેન્થર સ્ટાર ચૈડવિક બોસમેનનું ૪૩ વર્ષની વયે કોલોન કેન્સરથી નિધન

ન્યૂયોર્ક તા. ૨૯ : બ્લેક પેન્થર સ્ટાર ચૈડવિક બોસમેનનું કોલોન કેન્સરથી શનિવારે ૪૩ વર્ષની વયે અવસાન થયું હતું.  ચૈડવિક ૪ વર્ષથી કેન્સર સામે લડી રહ્યો હતો. તેને આંતરડાનું કેન્સર હતું. ચૈડવિકના પ્રતિનિધિએ અહેવાલ આપ્યો છે કે અંતિમ ક્ષણે અભિનેતાની પત્ની અને પરિવાર તેની સાથે હતા.

સુપરસ્ટાર એકટરના મોત અંગે તેમના પરિવાર દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે, સાચા યોદ્ઘા ચૈડવિકે તેના સંઘર્ષ દ્વારા તમારી પાસે તે બધી ફિલ્મો લાવી કે જેને તમે ખૂબ જ પસંદ કરી છે. પરિવારે કહ્યું કે ચૈડવિકે છેલ્લા ૪ વર્ષમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું અને આ બધું તેની ઘણી સર્જરી અને કીમોથેરાપી વચ્ચે થયું. પરિવારે એમ પણ કહ્યું હતું કે બ્લેક પેન્થર મૂવીમાં કિંગ ટી'ચાલાનું પાત્ર ભજવવું તેમના માટે સન્માનની વાત છે.

ચૈડવિકે '૪૨' અને 'ગેટ ઓન અપ' જેવી ફિલ્મોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ પછી, તેણે ૨૦૧૮ માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ 'બ્લેક પેન્થર' માં ટી-ચાલા / બ્લેક પેન્થરનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીત્યું. ચૈડવિકની છેલ્લી ફિલ્મ 'દા ૫ બ્લડ્સ' આ વર્ષે રિલીઝ થઈ હતી.

(11:12 am IST)