Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ઓગસ્ટ મહિનાના વરસાદે તોડયો ૪૪ વર્ષનો રેકોર્ડ

દેશભરમાં સમાન વરસાદના લીધે ખરીફ પાકોની બમ્પર ઉપજ : સપ્ટેમ્બરમાં તીવ્રતા ઘટશે : ભારતીય હવામાન વિભાગ

નવી દિલ્હી તા. ૨૯ : ગયા મહિને સરેરાશથી ૧૦ ટકા ઓછો વરસાદ થયો જ્યારે ચાલુ મહિનામાં ૪૪ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સરેરાશથી ૨૫ ટકા વધારે વરસાદ થયો છે, જે ઓગસ્ટ મહિનામાં ૧૯૭૬ પછી સૌથી વધારે વરસાદનો રેકોર્ડ છે. જો કે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ની આગાહી અનુસાર સપ્ટેમ્બરમાં ચોમાસાની તીવ્રતા ધીમી પડી શકે છે. આઇએમડીના મેનેજીંગ ડાયરેકટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, ચોમાસા અંગે અત્યાર સુધીની આગાહીઓ સાચી પડી છે અને દેશભરમાં ચોમાસુ સારૂ અને એકસમાન રહ્યું છે. ઓગસ્ટમાં જોરદાર વરસાદ થયો છે પણ આવતા મહીને ચોમાસાની ગતિ ધીમે ધીમે કમજોર થઇ શકે છે, પણ જે વિસ્તારોમાં અત્યાર સુધી ઓછો વરસાદ થયો છે ત્યાં વધારે વરસાદની શકયતા છે. આઇએમડીના તાજા રિપોર્ટ અનુસાર, એક ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધીમાં દેશભરમાં ૨૯૬.૨ મીલીમીટર વરસાદ થયો છે, જે સામાન્ય રીતે આ મહિનામાં સરેરાશ ૨૩૭.૨ મીમી થતો હોય છે. આમ, દેશભરમાં ઓગસ્ટમાં સરેરાશથી ૨૫ ટકા વધારે વરસાદ થયો છે. આ પહેલા ૧૯૭૬માં ઓગસ્ટ મહિનામાં સરેરાશથી ૨૮.૪ ટકા વધારે વરસાદ થયો હતો. ૧૯૦૧ થી ૨૦૨૦ દરમિયાન ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ ૧૯૨૬માં થયો હતો. ત્યારે સરેરાશથી ૩૩ ટકા વધુ વરસાદ નોંધાયો હતો.

(11:12 am IST)