Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

તામિલનાડુના કોંગ્રેસના સાસંદ વસંતકુમારનું કોરોનાના કારણે નિધન

ચેન્નઇ,તા.૨૯ : તામિલનાડુના કન્યાકુમારી બેઠકથી કોંગ્રેસ સાંસદ એચ. વસંતકુમારનું શુક્રવારે નિધન થયું છે. અધિકારીઓએ આ જાણકારી આપતા કહ્યું છે કે વસંતકુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૭૦ વર્ષીય આ નેતાને કોરોનાના ચેપના કારણે ૧૦ ઓગસ્ટે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ડોકટરોના જણાવ્યા પ્રમાણે ન્યુમોનિયાના કારણે તેમની સ્થિતિ ગંભીર હતી. પ્રથમ વખત તામિલનાડુથી સાંસદ બનેલા વસંતકુમાર પહેલા બે વખત ધારાસભ્ય પણ રહી ચૂકયા છે.

તામિલનાડુ કોંગ્રેસ કમિટી વર્કિંગ પ્રેસિડેન્ટ વસંતકુમારની ચેન્નઇની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એપોલો હોસ્પિટલ મેડિકલ ડાયરેકટર ડો. આરકે વેન્કટસલામે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, અમને તે જણાવતા ઘણું જ દુઃખ થઈ રહ્યું છે કે વસંતકુમારનું શુક્રવારે સાંજે ૬.૫૬ કલાકે નિધન થયું છે. નોંધનીય છે કે વસંતકુમારના પત્નીની પણ કોરોનાની સારવાર ચાલી રહી છે. જયારે તેમનો પુત્ર વિજય વસંત અભિનેતા છે.

વસંતકુમારના નિધના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શોક વ્યકત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લકયું હતું કે લોકસભા સાંસદ વસંતકુમારજીના નિધનથી દુઃખી છું. વેપાર અને સમાજસેવાના ક્ષેત્રમાં તેમના પ્રયાસો ઉલ્લેખનીય રહ્યા છે. તેમની સાથે વાતચીત દરમિયાન હંમેશા તેમનામાં તામિલનાડુના વિકાસને લઈને ઝનૂન જોવા મળ્યું હતું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યકત કરૂ છું. ઓમ શાંતિ.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, કન્યાકુમારીથી સાંસદ એચ.વસંતકુમારનું કોરોનાના કારણે નિધન થવાથી મને દુઃખ થયું છે. લોકોની સેવા કરવાની કોંગ્રેસની વિચારાધારા પ્રત્યે તેમની પ્રતિબદ્ઘતા હંમેશા અમારા દિલમાં રહેશે.

(11:16 am IST)