Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

EMI છૂટનો લાભ ૩૧મી તારીખે ખતમ થશે લોન રિસ્ટ્રકચરિંગ વિકલ્પથી તમને શું ફાયદો મળશે?

લોન લેનાર લોકોએ ડિફોલ્ટથી બચવા માટે લોનનો હપ્તો સમયપર ચૂકવવાનો રહેશેઃ જોકે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને RBIએ લોન લેનાર અને આપનાર માટે લોન રિસ્ટ્રકચરિંગની જાહેરાત કરી છે

નવી દિલ્હી,તા.૨૯ : ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ભારતીય રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલા લોન મોરેટોરિયમની મુદત પૂર્ણ થઈ રહી છે. કોરોનાને કારણે લાગેલા લોકડાઉનને પગલે ભારતીય મધ્યસ્થ બેંકે ત્રણ મહિનાના મોરેટોરિયમની જાહેરાત કરી હતી. જે બાદમાં તેની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે આ મુદત ૩૧મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે. આરબીઆઈ તરફથી બીજી વખત મુદતમાં વધારો કરવામાં આવ્યા બાદ અનેક બેન્કર્સે  હવે આ મુદતમાં વધારે ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમનો દાવો હતો કે તેનાથી નાણાકીય વ્યવસ્થા પર ખૂબ ગંભીર અસર પડશે.

જેફરીઝ રિસર્ચ રિપોર્ટમાં માલુમ પડ્યું છે કે બીજી વખત લોન મોરેટોરિયમ લેનાર લોન ધારકોની સંખ્યા ઘટી છે. પ્રથમ તબક્કામાં ૩૧ ટકા લોન ધારકોએ આનો ફાયદો લીધો હતો, જયારે બીજા તબક્કામાં ૧૮ ટકા લોન ધારકોએ આનો ફાયદો ઉઠાવ્યો હતો. આના પાછળ મુખ્ય બે કારણ છે. જેમ જેમ આર્થિક ગતિવિધિ શરૂ થતી ગઈ તેમ તેમ લોન ધારકોએ લોનની ચૂકવણી શરૂ કરી દીધી હતી. બીજું કે બેંકો પણ મોરેટોરિયમનો લાભ આપવા માટે થોડી કડક બની હતી.

ભારતીય રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં કહ્યુ હતુ કે તેઓ લોન આપનારને લોન રિસ્ટ્રકચરિંગની સુવિધા આપશે. જેનાથી એવા લોકોને રાહત મળશે જેઓ વર્તમાન સંકટને કારણે લોનની ચૂકવણી નથી કરી શકતા. રિસ્ટ્રકચરિંગની સુવિધા અંતર્ગત લોન લેનારને નવું શિડ્યૂલ આપવામાં આવશે. જેનાથી તેઓ લોન ચૂકવી શકશે.

RBI એલેન્ડર્સ (લોન આપનાર) માટે વન-ટાઇમ રિસ્ટ્રકચરિંગ સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત લોનની ચૂકવણીની શરતોમાં ફેરફાર કરી શકાય છે. આ અંતર્ગત લોન લેનારનું એકાઉન્ટ સ્ટાન્ડર્ડ જ ગણવામાં આવશે. આ એકાઉન્ડને ડિફોલ્ટર કે પછી નોન-પર્ફોર્મિંગ એકાઉન્ટ નહીં ગણવામાં આવે. સામાન્ય રીતે ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યાના ૯૦ દિવસ પછી આવા ખાતાઓને NPA ગણી લેવામાં આવે છે.

 RBI તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, બેંક ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૦ સુધી યોગ્ય લોન્સને રિસ્ટ્રકચર કરશે.

RBIના કહેવા પ્રમાણે તમામ સરકારી બેંક, ખાનગી બેંક, ભારતમાં કાર્યરત વિદેશી બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક, લોકલ એરિયા બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, શહેરી સહકારી બેંક, રાજય સહકારી બેંક, જિલ્લા કેન્દ્રીય સહકારી બેંક, નોન-બેન્કિંગ નાણાકીય સંસ્થા, હાઉસિંગ ફાઇનાન્સ કંપની અને અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓને આ સુવિધા આપવામાં આવી છે.

આ સ્કીમ એ તમામ પર્સનલ અને કોર્પોરેટ લોન માટે છે જે નાણાકીય સંકટને કારણે સ્ટ્રેસમાં છે. આ માટે અમુક શરતો પણ છે.

આ સ્કીમનો લાભ ફકત એવા જ લોન ધારકો લઇ શકશે જેમણે અત્યાર સુધી સમય પર પેમેન્ટ કર્યું છે. એક શરત એવી પણ છે કે ૩૧મી માર્ચ, ૨૦૨૦ સુધી ઓછામાં ઓછા ૩૦ દિવસ માટે તેમણે કોઈ રકમ બાકી ન રાખી હોય.

લોન લેનાર કોઈ પણ વ્યકિત માટે રિસ્ટ્રકચરિંગનો મતલબ એવો થશે કે લોનની શરતમાં ફેરફાર થશે. જેમ કે પેમેન્ડ રિશિડ્યૂલ કરવામાં આવશે, નાની લોન માટે લોનના દરમાં ફેરફાર, મોરેટોરિયમનો લાભ આપવા જેવા બદલાવ. આ લાભ બે વર્ષથી વધારે સમય માટે નહીં હોય. તમામ યોગ્ય લોન લેનારાઓને ખાતાઓને સ્ટાન્ડર્ડ ખાતા તરીકે જ ગણવામાં આવશે.

લેન્ડર્સ/બેંકોને કોઈ પણ લોનને રિસ્ટ્રકચર કરવા માટે અથવા રિઝોલ્યુશન માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ આ મુદતમાં આને લાગૂ કરવામાં નિષ્ફળ રહે છે તો કોવિડ ૧૯ લોન રિસ્ટ્રકચરિંગ સ્કીમ અંતર્ગત કોઈ લાભ નહીં મળે. તેને નોન-પરફોર્મિંગ એસેટ જાહેર કરી દેવામાં આવશે.

અનુભવી બેન્કર કે.વી.કામથની આગેવાની હેઠળ એક નિષ્ણાત સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ આરબીઆઈને લોન રિકાસ્ટ સ્કીમ અંગે સલાહ આપશે.

(11:17 am IST)