Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સહેલાણીઓનું પ્રિય સ્થળ માઉન્ટઆબુ ૬ સપ્ટેમ્બર સુધી લોકડાઉન

આબુરોડ ખાતે કોરોનાના એક સાથે ૪૦ કેસો આવતા રાજસ્થાન સરકારનો નિર્ણય : અમદાવાદનું એક ફેમિલી માઉન્ટ આબુથી પરત આવીને કોરોના-ગ્રસ્ત થયું અને બે સભ્યો મૃત્યુ પામ્યા હોવાની પણ ચર્ચા : ગુજરાતીઓનું 'હોટ ફેવરીટ' ડેસ્ટીનેશન એટલે માઉન્ટ આબુઃ હજ્જારો ગુજરાતીઓ આબુમાં ઉમટે છે

રાજકોટ તા. ર૯ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને લાખો લોકોની જીંદગી છીનવી લીધી છે. કરોડો લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે. આવા કપરા સમય વચ્ચે રાજસ્થાનમાં આવેલ સહેલાણીઓનું પ્રિય સ્થળ ગણાતું માઉન્ટ આબુ તારીખ ૩૦ ઓગષ્ટથી ૬ સપ્ટેમ્બર,  સુધી બંધ રહેશે તેવું જાણવા મળે છે.

જાણવા મળતી માહિતી મુજબ માઉન્ટ આબુ જવા માટેનું પ્રવેશદ્વાર ગણાતા આબુરોડ ખાતે કોરોનાના એક સાથે૪૦ જેટલા કેસો આવી પડતા રાજસ્થાન સરકાર દ્વારા આબુ રોડ ખાતે ૩૦ ઓગષ્ટથી ૬ સપ્ટેમ્બર એમ ૮ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાનું રાજકોટના અગ્રણી ટ્રાવેલ એજન્ટસ દિલીપભાઇ મસરાણી તથા જીતુભાઇ વ્યાસે અકિલાને જણાવ્યું હતું. જો કે આજે બપોર સુધી માઉન્ટ આબુ ખાતે આગામી મહિના માટેનું હોટલ બુકીંગ અમુક જગ્યાએ શરૂ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

'ટ્રાવેલ માર્કેટ'માં એવી પણ ચર્ચા સાંભળવા મળે છેકે તાજેતરમાંજ અમદાવાદથી ચાર વ્યકિતનું એક ફેમિલી માઉન્ટ આબુ ફરવા માટે ગયું હતું. ત્યાંથી પરત આવીને આખું ફેમિલી કોરોનાગ્રસ્ત થયું અને બે સભ્યો મૃત્યુ પણ પામ્યા. કદાચ આ બનાવને કારણે પણ માઉન્ટ આબુ કે આબુ રોડમાં લોકડાઉન આવ્યાનું બની શકે.અમુક લોકો એવું પણ કહે છે કે અમદાવાદનું જે ફેમિલી માઉન્ટ આબુ ગયું તેના એક મેમ્બરને અગાઉથી જ કોરોના હતો. ધીમે-ધીમે તમામ સભ્યો લપેટમાં આવી ગયા.આવી બાબતો વચ્ચે 'ટ્રાવેલ માર્કેટ'માં ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટસ વચ્ચે એવી પણ જોરદાર ચર્ચા ચાલે છે કે માઉન્ટ આબુમાં ટુરીસ્ટસને પ્રવશ આપતી વખતે રાજસ્થાન સરકાર તકેદારીના પગલા નથી લેતી કે ટુરીસ્ટસની સરખી તબીબી તપાસ નથી કરતી. અત્રે એ ઉલ્લેખનિય છે કે માઉન્ટ આબુએ ગુજરાતીઓ માટેનું 'હોટફેવરીટ' ડેસ્ટીનેશન ગણાઇ રહ્યું છે. તાજેતરમાં જન્માષ્ટમી દરમ્યાન પણ હજ્જારો ગુજરાતીઓ આબુ ખાતે ઉમટી પડયા હતા.

(2:31 pm IST)