Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

લોકસભા અધ્યક્ષનો આદેશ : ચોમાસુ સત્રના ૭૨ કલાક પહેલા સાંસદોએ કરાવો પડશે કોરોના ટેસ્ટ

૧૪ સપ્ટેમ્બરથી ચોમાસુ સત્રની શરૂઆત થાય તેવી શકયતા છે જે પહેલી ઓકટોબર સુધી ચાલશે

નવી દિલ્હી તા. ૨૯ : લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે કહ્યું હતું કે સંસદના ચોમાસુ સત્રની શરૂઆતના ૭૨ કલાક પહેલાં તમામ સાંસદોએ કોરોના ટેસ્ટ કરાવવું પડશે.૧૪ સપ્ટેમ્બરથી ચોમાસુ સત્રની શરૂઆત થાય તેવી શકયતા છે જે પહેલી ઓકટોબર સુધી ચાલશે.સાંસદો ઉપરાંત મંત્રાલયના અધિકારીઓ, માધ્યમોની પ્રતિનીધીઓ તેમજ લોકસભા અને રાજયસભાના સ્ટાફે પણ સત્રની શરૂઆત પહેલા કોવિડ-૧૯ ટેસ્ટ કરવાવું પડશે.

કોવિડ-૧૯ મહામારી જોતાં સત્ર માટેની તૈયારીઓ અને તેની વ્યવસ્થા કરવા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે આરોગ્ય મંત્રાલય, આઇસીએમઆર, એઇમ્સ, ડીઆરડીઓ અને દિલ્હી સરકારના પ્રતિનીધીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. બિરલાએ કહ્યું હતું કે સત્ર દરમિયાન કોઇને સ્પર્શ ના કરવો પડે એવી વ્યવસ્થા કરાશે. ઉપરાંત જો જરૂર પડશે સત્ર દરમિયાન પણ ફરીથી કોવિડ-૧૯ ટેસ્ટ કરાશે, એમ બિરલાએ કહ્યું હતું. સૂત્રો અનુસાર, સંસદનું સત્ર સવાર અને સાંજ એમ બે શિફટમાં મળશે. કોરોનાની મહામારીના કારણે અનેક સુધારા વધારા સાથે સંસદના ઇતિહાસમાં આવું પહેલી જ વાર કરાશે.

(2:33 pm IST)